Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઇ જાણે રે, પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે...

મનસુખ માંડવિયાને પ્રિય ગાંધી, પદયાત્રાથી જનચેતનાની આંધી

અકિલા પરિવારના મોભી કિરીટભાઇ ગણાત્રા પદયાત્રામાં જોડાયાઃ દાંડી કૂચની યાદ તાજી કરાવતી ગાંધી કૂચઃ શનિવારે ચોથા દિવસની પદયાત્રામાં અકિલા પરિવારના મોભી કિરીટભાઇ ગણાત્રા ઉપરાંત ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ, પાલીતાણાના પૂર્વ ધારાસભ્ય અને યાત્રા ઇન્ચાર્જ મહેન્દ્રસિંહ સરવૈયા, જૂનાગઢના મેયર આદ્યાશકિતબેન મજમુદાર, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, સ્ટેન્ડિંગ કમીટીના પુર્વ ચેરમેન પ્રદીપ ખીમાણી, પૂર્વ મેયર જયોતિબેન વાછાણી, એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન બાબુભાઇ જેબલિયા, યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ ડો. ઋત્વિજ પટેલ જસદણના પૂર્વ ધારાસભ્ય ડો. ભરત બોઘરા, અકિલા પરિવારના ડો. અનિલ દશાણી, ગઇકાલે પાંચમાં દિવસે મંત્રી જયેશ રાદડિયા, વાસણભાઇ આહીર, રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, પૂર્વ ડે.મેયર વલ્લભભાઇ દુધાત્રા વગેરે જોડાયા હતા

પદયાત્રા જીવંતયાત્રા :  ભારત સરકારના રાજ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયા દ્વારા ગાંધી મૂલ્યો ઉજાગર કરી પાયાના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે પાલીતાણા પંથકના ગામડાઓમાં તા. ૭ થી રર સુધી પદયાત્રા યોજાયેલ છે. જેમાં ગાંધી ફિલ્મમાં ગાંધીનું પાત્ર ભજવનારા દીપકભાઇ અંતાણી ગાંધીજી જેવી જ વેશભૂષા સાથે જોડાઇને વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. યાત્રાના ચોથા દિવસે શનિવારે પાલીતાણાના પાદરથી અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા આ પદયાત્રામાં જોડાયેલા. આયોજક શ્રી માંડવિયાએ તેમને ઉમળકાભેર આવકારેલ અને યાત્રા તથા સભામાં સતત સાથે રહયા હતા. લોકોએ પુષ્પવૃષ્ટિ, કુમકુમ તિલક, સુતરની આટી વગેરેથી સ્વાગત કર્યું હતું. તે દિવસે યાત્રામાં ભારતીબેન શિયાળ, આદ્યાશકિતબેન મજમુદાર, મહેન્દ્રસિંહ સરવૈયા, મહેન્દ્ર મશરૂ, ભરત બોઘરા, પ્રદીપ ખીમાણી, ઋત્વિજ પટેલ, ડો. અનિલ દશાણી વગેરે જોડાયા હતા.

રાજકોટ તા.૨૧: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જીવનભર બુનિયાદી શિક્ષણના હિમાયતી રહયા. તેમનું માનવું હતું કે પાયાનું શિક્ષણ ભણતરની સાથે સંસ્કારોનું પણ ગણતર કરે છે. જરૂરિયાત જેટલી સુવિધા સાથે સરળ જીવનશૈલી તેમની વિશેષતા હતા. તેમના આ વિચારોના ફેલાવા માટે ભારત સરકારના મંત્રી અને ગુજરાતના સપુત શ્રી મનસુખ માંડવિયાએ પાલીતાણા પંથકમાં સાત દિવસની (તા. ૧૬ થી રર) પદયાત્રા યોજી છે. જેના ચોથા દિવસે પાલીતાણામાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ જોડાઇને ઐતિહાસિક અવસરમાં સાક્ષી ભાવ અનુભવ્યો છે. પદયાત્રા થકી ગાંધી નામથી જનચેતનાની આંધી જાગી છે.

શ્રી મનસુખ માંડવિયા અને તેમના સાથી પદયાત્રીઓ ખાદીના વસ્ત્રો પહેરીને પદયાત્રામાં નીકળે ત્યારે ગામેગામ અંતરના ઉમળકાથી વધામણા થઇ રહયા છે. ફુલ, કુમકુમ તિલક, સુતરની આટી વગેરેથી શાનદાર સ્વાગત થઇ રહયું છે. પદયાત્રાની સાથે સામાજિક જનજાગૃતિ અને સેેવાના કામો પણ થઇ રહયા છેે. દરરોજ બે સ્થાનો પર મહાવ્રત સભા યોજાય છે. વિવિધક્ષેત્રના મહાનુભાવો જોડાઇ રહયા છે. સમગ્ર માહોલ ગાંધીજી વખતની દાંડીકૂચની યાદ અપાવી રહયો છે.

આ ગાંધી યાત્રાને આવકારવા ઠેર ઠેર ગામડાઓમાં યુવાનો, વૃદ્ધો, બહેનો મોટી સંખ્યામં સૂત્રોચ્ચાર કરતા નજરે પડયા હતા. ગામની સફાઇ, આધુનિક કૃષિ શિબિર, ભીંતચિત્રો, યોગશિબિર, ગાંધી સાહિત્ય અને ચિત્રોનું પ્રદર્શન, ખાદી વેચાણ જેવા વિવિધ કાર્યક્રમોથી ગાંધી બાપુને યાદ કરવાના પણ અનેક પ્રસંગો જોવા મળ્યા છે. પદયાત્રા એક સંભારણું બની રહી છે.

આવતીકાલે તા. રરમીએ સવારે ૧૦ વાગ્યે લોકભારતી સણોસરા ખાતે યાત્રાનું સમાપન થશે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. સમાપન સભાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી વિડિયો કોન્ફરન્સથી સંબોધશે.

ભારત સરકારના સદીના મહામાનવ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ૧૫૦માં જન્મ જયંતિ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે, સમગ્ર દેશમાં જુદા જુદા સ્વૈચ્છિક સંગઠનો અને સંસ્થાઓ કાર્યક્રમો યોજી રહયાં છે ત્યારે ગુજરાતમાં ગાંધી મુલ્યોને ઉજાગર કરવાના પ્રયાસરૂપે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઇ માંડવિયા પ્રેરિત પદયાત્રાનો ગ્રામ દક્ષિતામૂર્તિ મણાર શાળા ખાતેથી રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે પ્રારંભ કરાયો હતો. જે તળાજા, પાલીતાણા પંથકના ૧૫૦ ગામોમાંથી પસાર થઇ ગાંધી મૂલ્યોનો સંદેશો ફેલાવી રહી છે.

ગાંધી મૂલ્યોનાં માર્ગે પદયાત્રાનું તા. ૧૬ થી રર સુધી ૧૫૦ કિ.મી. લંબાઇના માર્ગ પર આયોજન કરાયું છે. ગાંધી ૧૫૦ વર્ષથી ઉજવણી ૧૫૦ કિ.મી. લંબાઇ અને ૧૫૦ કાયમી પદયાત્રી તથા ૧૫૦ ગામડાઓની ભાગીદારી અને ૧૫૦ ગાંધી વિચારોથી ચાલતી શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓનું યોગદાન એવી રીતે આ યાત્રાનો સમન્વય કરાયો છે.

બુનિયાદી શિક્ષણ પદ્ધતિ એ માનવ જાત માટે અત્યંત જરૂરી છે ત્યારે ભાવનગર જિલ્લામાં ગુજરાતની ૯૦ ટકા લોકશાળાઓ આવેલી છે અને બુનિયાદી શિક્ષણ આપી રહી છે, તેનું નવું બળ પુરૂ પાડવા અને ગાંધી વિચારને યુવા પેઢીમાં ઉજાગર કરવાનો એક સંનિષ્ઠ પ્રયાસ છે તેમ કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યું હતું.

પોલીસને બેવડો જશઃ બંદોબસ્ત સાથે પદયાત્રાનો પણ લ્હાવો

રાજકોટઃ. કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા દ્વારા પાલિતાણા પંથકના ગામડાઓમાં ગાંધી વિચાર સાથે પદયાત્રા ચાલી રહી છે. આ પદયાત્રામાં જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. યાત્રાના રૂટ તેમજ જ્યાં સભા હોય ત્યાં પોલીસ ફરજ પર હોય છે. પોલીસને આ યાત્રામાં બેવડો જશ મળી રહ્યો છે. બંદોબસ્ત સાથે પદયાત્રા કરી ગાંધીમય માહોલની અનુભૂતિ કરવાનો લ્હાવો મળ્યો છે. લોકો શિસ્તપૂર્વક યાત્રામાં જોડાઈ રહ્યા છે.

યાત્રા સંબંધી બંદોબસ્ત માટે સ્થાનિક ડીવાયએસપી રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ મહીરાજસિંહ જાડેજા, એન.પી. પંડયા, શ્રી વાઢેર અને અન્ય પોલીસ કર્મચારીઓ કાર્યરત છે. લોકો પોલીસની કામગીરીથી સંતોષ અનુભવી રહ્યા છે.

(11:44 am IST)
  • બિહારની બેટીએ અમેરિકામાં ગીતા સાથે લીધા સેનેટર તરીકે શપથ: જય હિંદનો સૂત્રોચ્ચાર કર્યા : બિહારના મુંગેરમાં જન્મેલી મોના દાસ પ્રથમ પ્રયાસમાં અમેરિકામાં વોશિંગ્ટન રાજ્યના 47માં જિલ્લાની સેનેટર બની : ડેમોક્રેટિક પાર્ટીની સભ્ય મોનાએ અમેરિકા સીનેટમાં હિંદૂ ધર્મગ્રંથ ગીતાની સાથે તેના પદની શપથ ગ્રહણ કર્યા હતા access_time 1:13 am IST

  • રાજકોટ મ્યુનિસિપલ કમિશનરના પી,એ,ની બદલી :કમિશ્નર બ્રાન્ચમાં એક દાયકાથી ફરજ બજાવતા જે,ડી કુકડિયાની સીટી બસ વિભાગમાં ટ્રાન્સફર :મનપાના વર્તુળોમાં ચકચાર access_time 10:44 pm IST

  • હલવા વિતરણ સાથે બજેટ દસ્તાવેજ માટે પ્રકાશન શરૂ : જેટલીની ગેરહાજરીમાં શિવ પ્રતાપ શુકલ હાજર રહ્યા : બજેટ દસ્તાવેજોને ખુબ જ ગુપ્ત રાખવામાં આવે છે જેથી ૧૦૦ કર્મચારીઓ બજેટના દિન સુધી નોર્થ બ્લોકમાં કેદ access_time 3:44 pm IST