Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

જસદણમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ : રસ્તામાં પાણી વહ્યા

યાર્ડમાં રહેલા તલ, મગ, બાજરી પલળતા વેપારીઓ અને ખેડૂતોમાં દોડધામ

રાજકોટ : રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. જસદણમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. અચાનક મેઘમહેર થતા માર્કેટ યાર્ડમાં રહેલા તલ, મગ, બાજરી પલળતા વેપારીઓ અને ખેડૂતોમાં દોડધામ મચી હતી.

જસદણમાં આજે બપોર સુધી ધોમ ધખતો તડકો અને અસહ્ય બફારો જોવા મળ્યો હતો. પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી છે.

જસદણમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા. જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત સમગ્ર પંથકમાં વાદળછાયું વાતવરણ જોવા મળી રહ્યું છે. પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડતા રસ્તા પર પસાર થતા વાહનચાલકો પરેશાન થયા હતા. મેઘરાજાનું આગમન થતાની સાથે જ વાવણીલાયક વરસાદ પડતાં ખેડૂતો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા.

હવામાન વિભાગે આજે, 13 અને 14 જૂનના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં વલસાડ જિલ્લાના કપરાડામાં દિવસ દરમિયાન બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે દાદરાનગર હવેલી વિસ્તારમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.તો સાથે જ ગુજરાતમાં 11થી 13 જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા છે.

(6:58 pm IST)