Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

સૌરાષ્ટ્ર - કચ્છમાં બફારામાં સતત વધારો : જૂનાગઢમાં છાંટા

દરરોજ કોઇ કોઇ જગ્યાએ વરસી જતો હળવો - ભારે વરસાદ : બપોરે ગરમીમાં વધારો

રાજકોટ તા. ૧૦ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં સર્વત્ર મિશ્ર ઋતુના માહોલ સાથે સર્વત્ર બફારામાં વધારો થઇ રહ્યો છે. દરરોજ કોઇ કોઇ જગ્યાએ હળવો - ભારે વરસાદ વરસી જાય છે. આજે સવારે જૂનાગઢમાં છાંટા વરસ્યા હતા. જ્યારે ગઇકાલે અમરેલી - રાજુલા પંથકમાં ઝાપટાથી એક ઇંચ વરસાદ પડયો હતો.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી : અમરેલી જિલ્લાના રાજુલામાં એક ઇંચ અને લીલીયામાં બે મીમી વરસાદ પડયો હતો. લાપળીયા, નાના-મોટા ગોખરવાળા, સોનારીયા સહીતના ગામોમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.

ગડુ (શેરબાગ) પંથકમાં ખેરા, ઘુમલી, વિસણવેલ, ગોતાણા, સમઢીયાળા, સુખપુર, સીમાર વગેરે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારમાં બે વખત વરસાદી ઝાપટા વરસ્યા હતા. વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.

જૂનાગઢ

(વિનુ જોષી) જૂનાગઢ : જૂનાગઢમાં સવારે અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદી છાંટા વરસતા વાતાવરણમાં માટીની ખુશ્બુ પ્રસરી ગઇ હતી.

હવામાન વિભાગની આગાહી મુજબ જૂનાગઢ શહેર - જિલ્લામાં વરસાદની શકયતા પ્રવર્તે છે. સવારે ૯ વાગ્યે જૂનાગઢમાં વરસાદી છાંટા વરસતા માર્ગો પર ભીનાશ થઇ ગઇ હતી. જિલ્લાના અન્ય વિસ્તારોમાં વરસાદના વાવડ નથી.

સવારે ઉકળાટ વચ્ચે લઘુત્તમ તાપમાન ૨૭.૪ ડીગ્રી, વાતાવરણમાં ભેજ ૭૮ ટકા અને પવનની ઝડપ ૧૧.૪ કિ.મી.ની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૬ મહત્તમ, ૨૮.૭ લઘુત્તમ, ૭૬ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૧૪.૬ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(11:52 am IST)