Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ભાવનગર : પાલીતાણામાં મહિલાને છરી મારનાર આરોપીને ૧૦ વર્ષની સજા

એકતરફી પ્રેમમાં પાગલ યુવાને મહિલાને છરી મારી દીધી હતી

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર તા. ૧૦ : ભાવનગર જિલ્લાના તિર્થ નગરી પાલિતાણામાં મોહનબાગ ધર્મશાળામાં રહેતા મુળ પાટણના વતની એવા અલ્પેશ ભીખાભાઇ ખાખડીયા ઠાકોર ઉ.વ.૩૦નામના શખ્સે એક તરફી પ્રેમમાં પાગલ બની મહિલાને છરીઓના ઘા ઝીંકી દઇ ઇજા કરવાના બનાવનો કેસ ભાવનગર ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા આરોપીને દસ વર્ષની સજા ફટાકારી હતી.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ પાલિતાણા મોહનબાગ ધર્મશાળામાં રહેતા અલ્પેશ ભીખાભાઇ ખાખડીયા ઉ.વ.૩૦નામનો યુવાન એક મહિલા સાથે એક તરફી પ્રેમમાં પાગલ બનેલ અને ગત તા. ૯-૧૦-૨૦૧૩ના રોજ સાંજના સમયે રસ્તામાં મહીલાને ઉભી રાખી, ધાક-ધમકી આપી, બળજબરી કરી, છરીઓના ઘા ઝીંકી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયેલ. બનાવ અંગે મહિલાના પતિએ અલ્પેશ વિરૂધ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરેલ.

આ બનાવ અંગેનો કેસ આજરોજ ભાવનગર ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો અને આધાર, પુરાવા, સાક્ષી ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રીકટ જજ આર.ટી. વાછાણીએ ગુનો સાબિત માની આરોપી અલ્પેશને કસુરવાર ઠેરવી દસ વર્ષની સજા અને રોકડ રૂ. ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો.

(11:51 am IST)