Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

અગરિયાઓ રણમાં ખાડો કરી, પીવાનું પાણી પ્લાસ્ટિકની ટાંકીમાં ભરી જમીનમાં દાટી રાખે છે!

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૧૦ : રણમાં પરંપરાગત રીતે મીઠું પકવતા ગરીબ અને પછાત અગરિયાઓની ઘણી બધી દારુણ કહાનીઓ આપણે જોઈએ અને સાંભળીએ છીએ પણ ઘણા લોકોને એ નહીં ખબર હોય કે રણની સિઝન પૂર્ણ થયા બાદ ચોમાસા દરમિયાન રણ આખુ વરસાદના પાણીથી ભરાઈ જતા મીની સમુદ્રમાં ફેરવાઇ જાય છે. અને આ રણનુ પાણી દરીયાઈ માર્ગે ધીરે ધીરે ચોમાસા બાદ ખાલી થતું થાય છે.

 એવા સમય દરમિયાન નવી સિઝન માટે અગરિયાઓ રણમાં કામ અર્થે જતા હોય છે. એ સમયે રણમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીના ટેન્કરો પણ બંધ હોય છે, ત્યારે છેવાડાનો માનવી ગણાતો અગરિયા સમુદાયને પોતાના માટે પીવાના પાણીનો વિકટ પ્રશ્ન હોય છે કે પીવાનું પાણી ક્યાંથી લાવવું ? એ સમયે ચારે બાજુ રણમાં કીચડ હોઈ દશથી પંદર કિલોમીટર કીચડ ખૂંદતા ખૂંદતા પોતાના પાટે કામ અર્થે જતા હોય છે. એવા સમયે પીવાના પાણીની અગરિયાઓ પોતે આગોતરી વ્યવસ્થા કરી અગરિયાઓ જ્યારે રણમાંથી ઘરે આવે ત્યારે જમીનમાં ખાડો કરી પ્લાસ્ટિકની ટાંકીમાં ટેન્કરમાંથી પીવાનું પાણી ભરી જમીનમાં દાટી દઇને પોતાના માદરે વતન પરત ફરે છે. અને જ્યારે ચોમાસા બાદ રણમાં કામ અર્થે જાય ત્યારે એ જ જમીનમાં દાટેલા પાણીનો પીવા માટે ઉપયોગ કરે છે. રણમાં ''કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું'' પકવતા છેવાડાના માનવીની દારૂણ્ય તસ્વીર..

(11:50 am IST)