Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

વિરપુર પૂ. જલારામબાપાના મંદિરના દ્વાર સોમવારથી ખુલશે

સોશ્યલ ડિસ્ટન્સ સાથે ભાવિકોને પ્રવેશ અપાશે : જો કે હજુ અન્નક્ષેત્ર બંધ રહેશે : ૬૫ દિવસ બાદ ભાવિકો દર્શનનો લાભ લઇ શકશે : ગાદીપતિ પૂ. રઘુરામબાપા

(કિશન મોરબીયા દ્વારા) વીરપુર - જલારામ તા. ૧૦ : કોરોના વાયસરની બીજી લહેરને લઈને વધુ સંક્રમણ ન ફેલાઈ તે માટે ગાદીપતિ પૂજય રઘુરામબાપાએ તારીખ ૧૧ એપ્રિલના રોજ પૂજય જલારામ બાપાની જગ્યા દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો જે ૬૫ દિવસ બાદ આવતી ૧૪ જૂન અને સોમવારના રોજ દર્શનાર્થીઓ માટે ખુલશે,સરકારશ્રી દ્વારા ૧૧ જૂને રાજયના તમામ ધાર્મિક સ્થળો ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ઘ યાત્રાધામ વિરપુર કે જયાં પૂજય સંતશ્રી જલારામ બાપાની જગ્યા તા.૧૪ જૂને દર્શન માટે ખુલશે.

તારીખ ૧૪ જૂન સોમવારથી ભકતો માટે પૂજય જલારામબાપાની જગ્યાના દ્વારા ખુલ્લા મુકવામા આવસે.૧૪ જૂન સોમવારથી સરકારી નિયમોને આધીન જલારામ ભકતો પૂજય જલારામબાપાના દર્શન કરી શકશે. તારીખ ૧૪ જૂન સોમવારથી દર્શનાર્થીઓએ વીરપુરમાં આવેલ શ્રી માનકેશ્વર મંદિર પાસેથી રજિસ્ટ્રેશન ઓફીસેથી રજીસ્ટ્રેશન કરાવી ટોકન મેળવી ટોકન સિસ્ટમથી પૂજય જલારામ બાપાની જગ્યામાં દર્શન કરવા માટે પ્રવેશ કરી શકશે. પૂજય જલારામ બાપાના દર્શનનો સમય સવારે ૭ થી બપોરના ૧ વાગ્યા સુધી અને બપોરે ૩ થી સાંજના ૭ વાગ્યા સુધી રહેશે તો દર્શનાર્થીઓને પૂજય જલારામ બાપાની જગ્યામાં સવાર - સાંજ આરતીમાં પ્રવેશ આપવામાં આવશે નહિ.પૂજય જલારામબાપાની જગ્યા દર્શનાર્થીઓ માટે માત્ર દર્શન માટે જ ખુલશે દર્શનાર્થીઓ માટે અન્નક્ષેત્ર બંધ રહેશે.

સરકારશ્રી દ્વારા રાજયના તમામ ધાર્મિક સ્થળો ૧૧ જૂને ખોલવાના નિર્ણયને લઈને પૂજય જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજય રઘુરામબાપા દ્વારા પૂજય જલારામ બાપાની જગ્યા તા.૧૪ જૂને ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે જલારામ ભકતોએ દર્શન માટે સરકારશ્રીની ગાઈડ લાઈનનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે દર્શનાર્થીઓએ મોઢે માસ્ક ફરજીયાત બાંધવાનું રહેશે અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે પછી જ પૂજય જલારામ બાપાની જગ્યામાં પ્રવેશ આપવામાં આવશે.

(11:02 am IST)