Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

હળવદમાં વોકીંગ કરવા નીકળેલા પ્રદિપ રાવલ ઉપર એસયુવી કારમાં આવેલા ૭ શખ્સોનો તલવારથી હુમલો

જુના મનદુઃખમાં હુમલો કર્યાની ફરિયાદઃ બ્રહમસમાજના આગેવાનો દ્વારા આરોપીઓને ઝડપી લેવા માંગ

(દિપક જાની દ્વારા) હળવદ, તા.૧૦: શહેર હાર્દ સમાં વિસ્તાર એવા દરબાર નાકે ડી.વી. રાવલ કોલેજ થોડેક દૂર ગઈકાલે રાત્રીના જમી ને ચાલવા નીકળેલા બ્રાહ્મણ યુવાન ઉપર એસયુવી ગાડીમાં આવેલા આઠેક શખ્સોએ તલવાર વડે સરાજાહેર હુમલો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે, જુના મનદુઃખમાં આ હુમલાની ઘટના બની હોવાનું અને આરોપીઓ વિરુદ્ઘ પોલીસ ફરિયાદ પણ નોંધાઇ છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદના દરબાર નાકે કોલેજ નજીક જમીને ચાલવા નીકળેલા પ્રદીપભાઈ મહેન્દ્રભાઈ રાવલ ઉપર એસયુવી કારમાં આવેલા પાંચથી સાત શખ્સોએ તલવાર વડે હુમલો કરતા પ્રદીપભાઈને પગના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચતા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો છે જયાં ભોગ બનનાર પ્રદીપભાઈ એ આરોપી મેહુલ રમણિકભાઈ ગોઠી, પંકજ ચમનભાઈ ગોઠી, મેરા કાળુભાઇ દલવાડી અને અજાણ્યા પાંચેક ઈસમો વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી છે.વધુમાં જુના મનદુઃખમાં આ હુમલો થયો હોવા ની ચર્ચા છે. હુમલા ના સમાચાર મળતા જ બ્રહ્મસમાજ ના આગેવાનો સરકારી દવાખાને દોડી ગયા હતા. અને આરોપીઓને ઝડપથી પકડી પાડવા માંગ કરી હતી.

(10:19 am IST)