Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

મોરબી જીલ્લામાં કોરોના બેકાબુઃ વધુ ૪ દર્દીનો ભોગ

સાંસદની મુલાકાત બાદ તંત્ર કામે લાગ્યુઃ સરકારી-ખાનગી હોસ્પિટલોમાં ઓકિસજનવાળા બેડની અછત યથાવત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૭: મોરબી જિલ્લા કોરોનાની બેકાબુ સ્થિતિ વચ્ચે પણ સરકારી તંત્રએ કોરોનાના આંકડા છુપાવાનો ખેલ ચાલુ જ રાખ્યો છે. સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૨૮૮૦ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી માત્ર કુલ ૩૨ વ્યકિતના રિપોર્ટ જ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. જોકે મોરબી જિલ્લામાં કોરોનાના કેસોનો વાસ્તવિક આંકડો ખૂબ જ મોટો હોવાનું મનાઈ રહ્યું છે. કારણ કે અત્યારે ઘરે ઘરે કોરોનાના દર્દીઓ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સીટી સ્કેન સેન્ટરો અને હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે. પરંતુ મોરબીના તંત્રને કોરોના દેખાતો ન હોય તેમ સબ સલામત હોવાના આંકડા દર્શાવવામાં આવી રહ્યા છે. વાસ્તવિક રીતે મોરબી જિલ્લામાં રોજના સેંકડો નવા કેસ આવી રહ્યા છે. ત્યારે સરકારી આંકડાની માયાજાળમાં પડ્યા વગર લોકો કોરોના બાબતે વધુ જાગૃત થાય તે અત્યંત જરૂરી છે. હાલમાં મોરબીની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવાની પણ જગ્યા નથી.

મોરબી જીલ્લામાં વધુ ૪ દર્દીના મોત થયા છે. જો કે સરકાર દ્વારા એક પણ કોવિડ ડેથ જાહેર કરાયુ નથી.

મોરબીમાં કોરોના મહામારીની બેકાબુ સ્થિતિ વચ્ચે આજે મોરબીના સાંસદ વિનોદ ચાવડા અને રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ જિલ્લા કલેકટર, ડીડીઓ અને આરોગ્ય વિભાગ સાથે તાકીદની બેઠક યોજી કોરોના પેશન્ટની સારવારમાં પડતી મુશ્કેલી નિવારવાની સાથે ટેસ્ટ વધારવાની બાબત ઉપર ભાર મુકયો હતો અને આજથી જ ટેસ્ટની સંખ્યા વધારી ૨૯૦૦ સુધી કરવામાં આવી છે. જો કે, આરોગ્ય વિભાગ પાસે તબીબ અને ટેકિનકલ સ્ટાફની અછતને કારણે કોવિડ હોસ્પિટલ માટે કોઈ વધારાની વ્યવસ્થાનો છેદ ઉડી ગયો છે. દરમિયાન આજે વધુ એક ખાનગી હોસ્પિટલને કોવિડ વોર્ડની મંજૂરી સાથે કુલ ૮૫ બેડ વધારવા મંજૂરી આપવામાં આવી છે. જો કે ઉકત હોસ્પિટલમાં અગાઉથી જ દર્દીઓ સારવારમાં હોય ઓકિસજન બેડની અછત યથાવત રહી છે.

મોરબીમાં કોરોનાની ભયાવહ સ્થિતિ નિર્માણ થતા આજે મોરબીના સાંસદ વિનોદ ચાવડા અને રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારીયાએ જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષાની સાથે કોરોનાના દર્દીઓને સારવારમાં મુશ્કેલી ન પડે તે માટે તાકીદની બેઠક યોજી હતી. જેમાં જિલ્લા કલેકટર, ડીડીઓ,આરોગ્ય અધિકારી, સિવિલ હોસ્પિટલના આરએમઓ, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા, તાલુકા પંચાયત પ્રમુખ રેખાબેન ચાવડા, ભાજપ અગ્રણી જીગ્નેશ કૈલા સહિતના હાજર રહ્યા હતા અને મોરબી સિવિલ હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં રેમડીસીવીર ઇન્જેકશનનો જથ્થો પૂરો પાડવાની સાથે ૧૦ હજાર ટેસ્ટ કીટ તાત્કાલિક ફાળવવા અને દૈનિક ટેસ્ટ વધારી ૩૦૦૦ થી વધુ કરવા નક્કી કરાયું હતું.

આ બેઠક દરમિયાન મોરબીમાં ખાનગી ક્રિષ્ના હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે વધારાના ૫૫ બેડ મંજુર કરી કુલ ૯૦ બેડની મંજૂરી આપવામાં આવી છે સાથે જ આયુષ હોસ્પિટલને પણ ૩૦ બેડની મંજૂરી આપી કોવીડ સારવાર માટેની મંજૂરી આપવામાં આવતા મોરબીમાં સિવિલ હોસ્પિટલમાં ૧૦૦ અને ખાનગી હોસ્પિટલમાં ૧૩૫ મળી કુલ ૨૩૫ બેડ ઉપલબ્ધ થયા છે પરંતુ હાલમાં આ તમામ બેડ ફૂલ હોય મોરબીના કોરોના દર્દીઓને સારવાર માટેનો પ્રશ્ન આજની મિટિંગ બાદ પણ યથાવત રહ્યો છે.

મોરબીમાં છેલ્લા અઠવાડિયાથી કોરોનાના લક્ષણો વાળા લોકો કોરોના ટેસ્ટ માટે ઉમટી રહ્યા હોવા છતાં તંત્ર દ્વારા ટેસ્ટિંગ વધારવામાં ન આવતા હોવાની વ્યાપક રાવ વચ્ચે આજની સાંસદની બેઠક બાદ કોરોના ટેસ્ટની સંખ્યા ૨૦૦૦થી વધારી ૩૦૦૦ કરવા નક્કી કરાયું છે અને આજે ૨૯૦૦ જેટલા ટેસ્ટ કરાયા હોવાનું અને પ્રભારી સચિવની મુલાકાત બાદ કોરોના ટેસ્ટ કીટનો જથ્થો જરૂરિયાત મુજબ ફાળવવામાં આવ્યો હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ.કતિરાએ જણાવ્યું હતું.

મોરબીમાં કોરોનાં દર્દીઓનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ વચ્ચે સિવિલ હોસ્પિટલ અને જિલ્લા આરોગ્ય તંત્ર પાસે તબીબો અને ટેકિનકલ સ્ટાફની કમી હોય હવે નિવૃત તબીબો ઉપરાંત અન્ય જિલ્લામાંથી ડોકટરોની ટિમ બોલવવા પણ આજની બેઠકમાં નક્કી કરાયું હતું.

મોરબીમાં કોરોનાની સારવારમાં જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલનો પન્નો ટૂંકો પડતો હોય તેવી સ્થિતિ વચ્ચે હવે સેવાભાવી સંસ્થાઓ કોરોનાના પેશન્ટોની સારવાર માટે કોવિડ હોસ્પિટલ ઉભી કરવા તડામાર તૈયારીમાં લાગી ગયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. અને જિલ્લા કલેકટર અને આરોગ્ય વિભાગને જરૂરિયાત મુજબના ઓકિસજન સાથેના બેડની વ્યવસ્થા સાથેની તૈયારી દર્શાવી છે. પરંતુ આરોગ્ય વિભાગ પાસે આ માટે જરૂરી સ્ટાફ ના હોવાનું સામે આવ્યું છે.

(12:46 pm IST)