Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

કચ્છના મોટા રણમાંથી પસાર થતાં ઘડુલી સાંતલપુર રોડનું કામ પુરૃં કરવા કોંગ્રેસની માંગ

ગુલાબી ધોમડા પક્ષીઓના મોત બાદ પર્યાવરણ વિવાદને પગલે કામ ન અટકે તે માટે કોંગ્રેસની માંગ, લખપત, કાળો ડુંગર, ધોળાવીરાને પ્રવાસન સર્કીટ સાથે જોડતો રોડ સુરક્ષાની દ્રષ્ટિએ પણ મહત્વનો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૭ :  ઘડુલી-સાંતલપુર માર્ગનું કામ શરૂ તો ઘણા સમયથી થયુ છે. પરંતુ પર્યાવરણીય મંજુરી અને વિવિધ વિવાદો અને ભૌગોલીક પરિસ્થિતીને કારણે ઘણા વિસ્તારોમાં કામ અટકી ગયુ છે. તાજેતરમાં પણ કચ્છના રણમાં કાગવાંઢથી ધોળાવીરા વચ્ચે ગુલાબી ધોમડાના મોતને કારણે મોટો પર્યાવરણીય વિવાદ થયો છે.

જો કે કોગ્રેસના પુર્વ ધારાસભ્ય અને ધડુલી-સાંતલપુર માર્ગ અંગે ઉંડો અભ્યાસ ધરાવતા મહેશ ઠક્કર કોગ્રેસના આગેવાનો સાથે તે વિવાદીત સ્થળે પહોચ્યા હતા. અને પર્યાવરણવીદ્દો દ્રારા જે રીતે ધટનાને મોટુ સ્વરૂપ અપાયુ છે તેવી કોઇ સ્થિતી ન હોવાનું નિવેદન આપી તાત્કાલીક તમામ વિવાદો પુર્ણ કરી કામ ઝડપથી શરૂ કરવુ જોઇએ તેવી માંગ કરી છે. કોગ્રેસના આગેવાન મહેશ ઠક્કર, નવલસિંહ જાડેજા,ધનશ્યામ ભાટ્ટી ,રમેશ ગરવા તથા આદમ ચાકી વગેરે જોડાયા હતા.તાજેતરમાંજ ગુલાબી ધોમડાના મોત મામલે પક્ષીવિદોએ ચોંકાવનારા આંકડાઓ આપ્યા હતા અને સ્થળ તપાસ પછી કોન્ટ્રાકટરની બેદરકારીથી અસંખ્ય મોત થયાના અનુમાન સાથે તપાસની માંગ કરી હતી.

જો કે વનવિભાગે તપાસ કરી ૧૨ પક્ષીના મોત મામલે જવાબદારો સામે કાર્યવાહી પણ કરી હતી. જો કે આ વિવાદ વચ્ચે કોગ્રેસના આગેવાનો તે સ્થળે પહોચ્યા હતા. અને ગુલાબી ધોમડાની વસાહતથી આ જગ્યા દુર હોવાનું કહી ધડુલી સાંતલપુર માર્ગનું કામ અટકવુ ન જોઇએ તેવી માંગ કરી છે. કોન્ટ્રાકટરો વચ્ચે વિવાદ,પૈસાના ચુકવણા જેવી બાબતોને લઇને કામ અટકતુ હોય છે તેવામાં તેનું સાચુ કારણ તો વનવિભાગ અને આર.એન.બી જણાવી શકે પરંતુ આવા વિવાદોનો અંત લાવી કચ્છના હિતમાં કામ બંધ ન થાય તેવી અને અધુરા કામ ઝડપથી પુર્ણ થાય તેવી માંગ કરી છે. તો અધિકારીઓ સાથે થયેલી વાતચીત મુજબ ઝડપથી કામ શરૂ થશે તેવો આશાવાદ પણ સેવ્યો છે.

(10:22 am IST)