Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

જો તમે નારિયેળ પાણી પીતા હો તો, આ ખાસ વાંચજો...!! સ્વાસ્થ્યવર્ધક નારિયેળ પાણી કયાંક આપણું સ્વાસ્થ્ય બગાડી તો નથી રહ્યું ને?

કચ્છ યુનિવર્સિટી દ્વારા નારિયેળ પાણીમાં વપરાતી જંતુનાશક દવાની અસર વિશે જાણવા વિકસાવાઈ સરળ પદ્ઘતિ, નારિયેળી માટે વપરાતી મોનોક્રોટોફોસ નામની દવા હાનિકારક, અનેક દેશોમાં પ્રતિબંધ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૭:  શારીરિક સ્વસ્થતા અને તંદુરસ્તી માટે આપણે સૌ નારિયેળ પાણીને કુદરતી સ્ત્રોત માનીએ છીએ. પણ, એ જ નારિયેળ પાણી આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ બની શકે છે!! નારિયેળી માટે વપરાતી જંતુનાશક દવા અંગે સશોધન કરી અને મોનોક્રોટોસ નામની આ દવાના વપરાશ અંગે જાણી શકાય એ અંગે મહત્વનો અભ્યાસ કરાયો છે.

કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર ભવન માં ડો. વિજય આર. રામના માર્ગદર્શન હેઠળ મનાલી મનોજગિરી ગોસ્વામી અને નરેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા થયેલા સંશોધન મુજબ અમુક નારિયેળના પાણીમાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક મોનોક્રોટોફોસ નામની જંતુનાશક દવાના રેસિડયુ મળી આવ્યા છે. ડો. વિજય આર. રામ ના જણાવ્યા અનુસાર ઘણા ખેડૂતો વધુ નારિયેળ લેવા અને કીટકો જેવાકે સફેદ માખીનો ઉપદ્રવ ઘટાડવા માટે ખૂબ જ હાનિકારક મોનોક્રોટોફોસ નામની જંતુનાશક દવાનો ઉપયોગ કરે છે. આ જંતુનાશક દવા જો માનવ શરીરમાં જાય તો ખૂબ જ નુકશાન થાય છે જેમકે, જુલાઈ ૨૦૧૩માં બિહારની એક સ્કૂલમાં મોનોક્રોટોફોસ જંતુનાશક દવાના ખાલી કેન્ટેનર માં વેજિટેબલ ઓઇલ ભરી અને એનો ઉપયોગ કરી બનાવેલ ભોજન થી ૨૩ બાળકોના મૃત્યુ થયાનું માનવામાં આવે છે. નાળિયેરી એક દરિયાકાંઠાના ગરમ અને ભેજવાળા હવામાનમાં તેમજ વધારે વરસાદ વાળા વિસ્તાર નો અગત્યનો પાક છે. દેખાવ અને આકાર સુંદર હોવાથી નાળિયેરીના વૃક્ષો આપણે જોવા ખુબ ગમે છે. દુનિયાના ઉષ્ણકટિબંધના લગભગ ૯૩ દેશોમાં નાળિયેરીનું વધતા ઓછા પ્રમાણમાં વાવેતર થાય છે જેમાં કુલ વાવેતરમાં ભારત ત્રીજા ક્રમે છે, ભારતમાં કેરળમાં ૬૦થી ૬૫ ટકા વિસ્તાર અને ૪૨.૩ ટકા ઉત્પાદન સાથે પ્રથમ ક્રમે છે. ગુજરાત રાજયમાં નાળિયેરીનું વાવેતર ૨૪૪૩૨ હેકટર જેટલા વિસ્તારમાં થયેલું છે. જેમાં ગીર સોમનાથ, જુનાગઢ, નવસારી, વલસાડ, સુરત,અને ભાવનગર જિલ્લાઓ નાળિયેરીના વાવેતરમાં મોખરે છે.

શાસ્ત્રોમાં પુરાણકાળથી નાળિયેરીના વૃક્ષો નો ઉલ્લેખ જોવા મળે છે, લોકજીવનમાં લગ્ન ગીતોથી માંડી અને કહેવતોમાં નાળિયેર જોડાયેલું છે. આજના સમયમાં પણ નાળિયેરપાણીને એક શ્રેષ્ઠ આરોગ્ય વર્ધક પીણા તરીકે પસંદગી કરવામાં આવે છે કારણકે નારિયેળ પાણી સોડિયમ, પોટેશિયમ, કાર્બોદિત, પ્રોટીન વિટામિન સી, કેલ્શિયમ, લોહ તત્વ, મેગ્નેશિયમ,મેંગેનીઝ વગેરે જેવા અગત્યના પોષક તત્વો થી ભરપૂર હોય છે, તેના દ્વારા હૃદય, બ્લડ શુગર, કિડની, બ્લડ પ્રેશર વગેરેને લગતી તકલીફોમાં રાહત મળે છે. નારિયેળ પાણી એન્ટિ ઓકિસડન્ટ અને પાણીના સ્વાદિષ્ટ સ્ત્રોત તરીકે પણ ખુબ જ મહત્વનું છે. અને તેને શ્રેષ્ઠ આરોગ્ય વર્ધક પીણા તરીકે પસંદગીમાં લેવામાં આવનાર બીજું કારણ એ છે કે આપણે માનીએ છીએકે તેમાં કોઈ જાતની ભેડસેડ હોતી નથી. પેસ્ટિસાઇડ એકશન નેટવર્કના એકસપર્ટના કહેવા મુજબ, મોનોક્રોટોફોસ સૌથી પ્રાચીનજંતુનાશકોમાંનો એક છે જે હજી પણ ઉપયોગમાં છે, અને તે ખૂબ તીવ્ર રીતે ઝેરી હોવાનું માનવામાં આવે છે. મોનોક્રોટોફોસ એ એક ઓર્ગેનોફોસ્ફેટ જંતુનાશક છે, આ પ્રકારના જંતુનાશકો ન્યુરોટોકિસન તરીકે ઓળખાય છે, જે શરીરમાં ન્યુરોન્સના કામને અસર કરે છે. મોનોક્રોટોફોસ માનવ શરીરના સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પરની ક્રિયાને કારણે ઘાતક હોવાનું માનવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ વર્ગ ૧ બીમાં મોનોક્રોટોફોસ મૂકયો છે જે આ એક વર્ગ ખૂબ જ જોખમી પેસ્ટિસાઇડ્સ માટે આરક્ષિત છે. વિશ્વના ઘણા દેશો જેવાકે અમેરિકા, ચીન , યુરોપના ઘણા દેશો વગેરેએ આ જંતુનાશક દવાના વપરાશ પર પ્રતિબંધ લગાવેલો છે જયારે ભારતમાં ખાલી શાકભાજીના ઉપયોગ માટે આ દવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યોછે. પરંતુ અન્ય ખેતીવાડી પ્રોડકટ માટે એનો ઉપયોગ હજુ ચાલુ જ છે. આનું મુખ્ય કારણ એની ઓછી કિંમત અને વધુ અસરકારક ક્ષમતા હોવાનું જાણવા મળેલ છે.આ બાબત ને ધ્યાને લઇ કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર ભવન માં ડો. વિજય આર. રામ ના માર્ગદર્શન હેઠળ મનાલી મનોજગિરી ગોસ્વામી અને નરેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા મોનોક્રોટોફોસ ધરાવતા અને મોનોક્રોટોફોસ વગરના નારિયેળને અલગ પાડતી પદ્ઘતિ વિકસાવવામાં આવેલ છે . એક મહિના જેટલા સમયગાળામાં આ સંશોધન માટે ખેતરની રૂબરૂ મુલાકાત લઇ, જુદી જુદી જગ્યાએથી નાળિયેરના નમૂનાઓ મેળવવામાં આવ્યા હતા અને જેમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરેલ હોય અને ના કરેલ હોય તેવા નારિયેળનું કલેકશન કરવા આવ્યું હતું . જેના ઉપર ૧૦૦ જેટલી ટ્રાયલ બાદ જંતુનાશક દવા વાળા અને જંતુનાશક દવા વગરના નારિયેળ ને અલગ પડતી પદ્ઘતિ વિકસાવવામાં આવી છે. આ પદ્ઘતિ માટે તૈયાર કરેલા રિએજન્ટ એટલેકે કેમિકલથી નાળિયેરની છાલ અને નારિયેળના પાણીમાં મોનોક્રોટોફોસ હાજર છે કે નહીં તેની ચકાસણી કરી શકાય છે. જેથી નારિયેળના પાણી પિતા પહેલા જ આપણે જાણી શાકચું કે તેમાં ખુબજ હાનિકારક મોનોક્રોટોફોસ નામનીજંતુનાશક દવા નારિયેળ પાણીમાં છે કે નહિ. જેનાપરિણામે હવે આપણે સૌ નારિયેળમાં રહેલા આ ઝેરને ખૂબ આસાનીથી ઓળખી શકીયે તેમ છે. ડો. વિજય આર. રામના માર્ગદર્શન હેઠળ મનાલી મનોજગિરી ગોસ્વામી અને નરેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આવનારા દિવસોમાં મોનોક્રોટોફોસની જગ્યા એ બીજું હાનિકારકના એવું કયુ મટીરીયલ ખેડૂતોને આપી શકાય તે દિશામાં સંશોધન કરવામાં આવશે તથા આવનારા દિવસોમાં નારિયેળના પાણીમાંથી જંતુનાશક દવા મોનોક્રોટોફોસને ઓળખવા માટેની કીટ માર્કેટમાં મુકવામાં માટેની તૈયારી કરવામાં આવી રહી છે.

આ બાબતે સમાજમાં જાગૃતતા આવે તે ખુબ જરૂરી છે કારણ કે, પીળું દેખાતી દરેક વસ્તુ સોનુ હોતી નથી. આવા સમાજ ઉપયોગી સંશોધન કરવા બદલ, કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. જયરાજસિંહ જાડેજા, રજિસ્ટ્રાર ડો બુટાણી અને કેમિસ્ટ્રી ભવનના વડા ડો .બક્ષી દ્વારા સંશોધન કરતી ટીમ ને અભિનંદન આપવામાં આવ્યા હતા.

(10:23 am IST)