Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

યોગ, નિરામયાની સાથે સાથે પ્રસન્‍નતા અર્પે છે : યોગગુરૂ થાનકી

રાજ્‍ય યોગબોર્ડના સહયોગથી જૂનાગઢમાં યોગ વર્ગનો શુભારંભ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૨: ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડની સ્‍થાપના બાદ સમગ્ર રાજ્‍યમાં યોગને જીવનમાં વણી લેવા વિનામૂલ્‍યે યોગવર્ગ શરૂ કરવાના નિર્ણય બાદ આજે જૂનાગઢ ખાતે ગાંધીગ્રામ વિસ્‍તારમાં યોગવર્ગનો શુભારંભ થયો હતો.

ગાધીગ્રામ વિસ્‍તારમાં જાફર મેદાન સામે ઇવનગર રોડ પર વિનામૂલ્‍યે યોગવર્ગનો શુભારંભ કરાવતા યોગગુરૂ પ્રતાપભાઇ થાનકીએ કોઇ પણ રોગને ભગાડવા યોગ જીવનમાં અપનાવી લેવા જેવુ છે. તેમ જણાવી યોગવિદ્યા અને તે પૂર્વેની થોડી હળવી કસરતોનું નિદર્શન કરી શિબિરાર્થીઓને જીવન નિરામયા બનાવવા અને સદાય પ્રસન્‍ન રહેવા યોગને અપનાવવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે પત્રકાર ધીરૂભાઇ પુરોહિતે પણ યોગબોર્ડ દ્વારા શરૂ થનારા આ વર્ગોમાં નિષ્‍ઠાથી જોડાઇ તન -મનને સ્‍વસ્‍થ રાખવા યોગનું પ્રગટીકરણ કરવા પર ભાર મૂકયો હતો.

નિવૃત મામલતદાર રંજનબેન પંડયા, રમેશભાઇ પંડયા, નિવૃત કેળવણી નિરિક્ષક હરિભાઇ દવે, સમર્પણ ધ્‍યાન કેન્‍દ્રનાં સંયોજક મંગળાબેન તથા, ભરાડ વિદ્યા મંદિરના નિયામક શ્રીમતી હર્ષાબેન ભરાડે પ્રસંગોચિત ઉદબોધનમાં યોગ અને ધ્‍યાન સાધનામાં મનની અગાધ શકિતઓ પ્રાપ્ત કરવા આ તક મળી હોવાનું જણાવ્‍યું હતું.

જૂનાગઢ જિલ્લા યોગવર્ગનાં સંયોજક કમલેશભાઇ તરખાલા અને દર્શનભાઇ વાઘેલા તેમજ યોગ શિક્ષક જીજ્ઞાસાબેન યોગ પુરોહિત દ્વારા બોર્ડના અધ્‍યક્ષ શીશયાલજીના નેતૃત્‍વમાં યોગ વર્ગો શરૂ થયા છે. યોગ માટેની મહત્‍વની વિભાવના સમજાવી વિનામૂલ્‍યે યોજાનારા આ વર્ગમાં બહોળી સંખ્‍યામાં સાધકોને જોડાવા અપીલ કરી છે. વર્ગનો સમય સાંજે ૫ થી ૬નો રહેશે. વધુ માહિતી માટે યોગશિક્ષક જીજ્ઞાસાબેન પુરોહિતનો મોબાઇલ નંબર ૯૪૨૯૯ ૯૪૦૩૦ પર સંપર્ક કરવા જણાવાયું છે.

(1:14 pm IST)