Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

જામનગરમાં ભાજપ ઉમેદવારે ઘોડા પર સવાર થઇ મતદાન કર્યું

જામનગરમાં મનપામાં ૨૫ વર્ષથી ભાજપનું શાસન : જામનગરની ૬૪માંથી ૫૦ થી વધુ બેઠકો પર ભાજપની જીત થશે, જામનગર ભાજપ પ્રમુખ વિમલ કગથરાનો દાવો

જામનગર, તા. ૨૧ :જામનગર :જામનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦૨૧ માં આજે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. જામનગરમાં ૧૬ વોર્ડની ૬૪ બેઠકની ચૂંટણી માટે ૨૩૬ વચ્ચે જંગ ચાલી રહ્યો છે. જામનગર મહાનગર પાલિકાના ૧૬ વોર્ડની ૬૪ બેઠકો માટે આજે મતદાન ચાલી રહ્યું છે. જેમાં ભાજપ ૬૪, કોંગ્રેસ ૬૨, આપ ૪૮ અને અપક્ષ ૨૭ ઉમેદવારો મેદાનમાં છે. ૨ વાગ્યા સુધી સરેરાશ મતદાન ૨૧.૮૩ થયું છે. જેમાં સૌથી વધુ મતદાન જામનગરમાં ૨૮.૦૫ ટકા થયું છે.

જામનગરમાં એક ઉમેદવાર ઘોડા પર બેસી મતદાન કરવા પહોંચ્યા હતા, જે સમગ્ર જામનગરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વોર્ડ નંબર ૧ ના ભાજપના ઉમેદવાર ફિરોજ પતાણી ઘોડા પર સવાર થઈને મતદાન કરવા નીકળ્યા હતા. આમ તેમણે અનોખી રીતે શક્તિ પ્રદર્શન કર્યું હતું. બેડેશ્વર વિસ્તારમાં આવેલા મતદાન મથક પર ઘોડા પર બેસી મતદાન કરવા પહોંચ્યા હતા.

તો બીજી તરફ, જામનગરમાં ભાજપની ફરીથી જીત થશે તેવો દાવો ભાજપ શહેર પ્રમુખે કર્યો છે. મતદાન આપવા આવેલા ભાજપના શહેર પ્રમુખ વિમલ કગથરાએ કહ્યું કે, ૬૪ માંથી ૫૦ થી વધુ બેઠકો પર ભાજપની જીત થશે. મનપામાં સતત છઠ્ઠીવાર ભાજપની જીત થશે.

જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર ૨ માં એક વૃદ્ધ મતદાન કરવા પહોંચ્યા હતા અને ચાલી ન શકતા હોવાના કારણે તેની સાથે એક વ્યક્તિ પણ હાજર રહ્યા હતા અને ઘોડીના સહારે મતદાન મથક ઓર પહોંચીને ટેકાના સહારે મતદાન કર્યું હતું અને મતદાન કરવા આવેલ વૃદ્ધ અચૂક મતદાન કરતા હોય ત્યારે આ વખતે પણ મહાનગર પાલિકાની ચૂંટણીમાં મતદાન કરવા પહોંચ્યા અને લોકોને પણ અપીલ કરી કે તમામ લોકોએ મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને મતદાન કરવું જોઈએ. જામનગરના સાંસદ પૂનમ માડમ પણ મતદાન કરવા પહોંચ્યા હતા, જ્યાં તેઓ વયસ્ક નાગરિકોની મદદ કરવા જોવા મળ્યા હતા. મતદાન બૂથ પર તેમણે મતદાન કરવા આવેલા વૃદ્ધાને મદદ કરી હતી. તેઓ વૃદ્ધાનો હાથ પકડીને તેમને મતદાન મથક સુધી દોરી ગયા હતા. આમ વૃદ્ધ મહિલાને મતદાન કરવાનો ઉત્સાહ બતાવતા સાંસદે માનવતા મહેકાવી હતી. તો સાથે જ જામનગરમાં રાજ્યમંત્રી હકુભા જાડેજાએ પણ પરિવાર સાથે વોર્ડ નંબર ૫માં મતદાન કર્યું હતું.  જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૬૪૫ મતદાન મથકો છે. જેમાં ૩૧૨ સંવેદનશીલ અને ૧૧ અતિ સંવેદનશીલ છે. જામનગરમાં મતદાન માટે ૩ હજારથી વધુનો સરકારી સ્ટાફ અને ૨૨૦૦ સુરક્ષકર્મીઓ તૈનાત કરાયા છે. મનપાની ચૂંટણીમાં કુલ ૪,૭૬,૬૬૮ મતદારો મતદાન કરશે. ઉલ્લેખનીય છે કે, જામનગર મનપામાં છેલ્લા ૨૫ વર્ષથી ભાજપનું શાસન છે. ત્યારે હવે સત્તા પલટો થાય છે કે સત્તાનુ પુનરાવર્તન થાય છે તેના પર સૌની નજર છે.

(9:14 am IST)