Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ઝાલાવાડમાં સૌથી વધુ વરસાદ ચુડામાં ૧૨ ઇંચઃ વાંસલ ડેમ છલકાયો

સિઝનનો સૌથી ઓછો થાનમાં માત્ર ૪ ઇંચઃ ૫ ડેમોમાં આવક ઓછીઃ ૩ ડેમમાં સરેરાશ ૮૦%થી વધુ પાણી છલકાયું: આખા ચોમાસાના ૨૩ ઇંચ વરસાદ સામે અષાઢમાં જ ૮ ઇંચ ખાબકયોઃ લખતર, વઢવાણ પંથકમાં સારો વરસાદ પડતા પાકને ફાયદો થશે

વઢવાણ, તા.૮: ઝાલાવાડની માથે છેલ્લા ત્રણ દિવસથી મેહુલીયો હેત વરસાવી રહ્યો છે. હજુ આગામી ૨ દિવસ સુધી હળવાથી મધ્યમ ધારે વરસાદ પડવાની હવામાન ખાતાની આગાહી છે. ચાલુ સિઝનમાં ચુડા, લખતર અને વઢવાણ તાલુકાના ગામડાઓમાં સરેરાશ અંદાજે ૮ ઇચથી વધુ મેઘમહેર થતા વાંસલ ડેમમાં પાણીની આવક થવાથી ૯૦% છલકાયો છે. જયારે જિલ્લાના ૫ ડેમમાં પાણી આવક ઓછી છે. ઝાલાવાડમાં સરેરાશ ૨૩ ઇચ વરસાદ થતો હોય છે. જેમાં આ વર્ષે અષાઢ મહિનામાં જ ૭.૫૦થી ૮ ઇચ વરસાદ પડ્યો છે. ચુડા, લખતર, વઢવાણ પંથકમાં સારો વરસાદ થતાં ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. કેટલાક ગામની નદીમાં પાણી આવ્યા છે. જો સુકાઇ ગયેલા દ્યણા ચેક ડેમમાં નવા નીર આવવા સાથે ડેમ છલકાઇ પણ ગયા છે. તકેદારીના ભાગ રૂપે તંત્ર દ્વારા ટીમ તૈયાર કરીને કાંઠા વિસ્તારના લોકોને જરૂરી સુચનાઓ આપી દિધી છે.

વઢવાણ ધોળીધજા ડેમમાં સરેરાશ ૮૦% પાણી ભોગાવોના પટમાં રહેતા લોકોને સાવધ કરાયા..

૨૦ ફૂટની ક્ષમતા ધરાવતા સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં હાલ ૧૭.૫૦ ફૂટ પાણી છે. ઉપરવાસ સારો વરસાદ થાય તો ડેમ છલકાવવાની પુરી શકયતા છે. આથી સુરેનદ્રનગર અને ખાસ કરીને વઢવાણ ભોગાવાના પટમાં રહેતા લોકોને સલામત સ્થળે જવાની સાથે નદીમા અવરજવર ન કરવાની સુચના આપવા માટે મામલતદાર જી.ડી.બરોલીયા ટીમ સાથે દોડી પહોચ્યા હતા.

ચુડામાં ૨૮૭ મી.મી વરસાદથી વાંસલ ડેમ ૯૦ ટકા ભરાઈ ગયો છે. ઈન્ચાર્જ મામલતદાર હેમંતસિંહ મકવાણાએ ટીડીઓ સાથે ડેમની મુલાકાત કરી જણાવ્યું હતું કે ડેમ ઓવરફલો થવાની શકયતા છે. જોકે શટરવાળો નાનો ડેમ ખાલી છે. ૨ દિવસ વરસાદની આગાહીને ધ્યાને રાખી હેઠવાસના ચુડા, ગોખરવાળા, ભગૃપુરના લોકોને પટમાં અવરજવર નહીં જાણ કરાઇ છે.

ચુડાના વાંસલ અને ચોટીલાના ત્રિવેણી ઠાંગા ડેમમાં પાણીની આવક

સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા વરસાદના કારણે ચુડા પાસે આવેલ વાંસલ ડેમ ૯૦ ટકાથી વધારે ભરાઇ ગયો છે. વાંસલ જળાશયની પુર્ણ જળસપાટી ૧૦૦.૭૦ મીટર છે,જેમાંથી ૧૦૦.૫૦ મીટર જળાશય ભરાઇ ગયેલ છે. આ ઉપરાંત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ચોટીલાના ત્રિવેણી ઠાંગા ડેમ પણ ૯૪ ટકા ભરાઇ ગયો છે. ત્રિવેણી ઠાંગા જળાશયની પુર્ણ જળસપાટી ૨૦૮ મીટર છે, જેમાંથી ૨૦૭.૯૦ મીટર જળાશય ભરાઇ ગયેલ છે.

ઉકત બંન્ને જળાશયોની જળસપાટી ધ્યાને લઇ વાંસલ ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા ચુડા, ગોખરવાડા, ભૃગુપુર, દરોદ અને ચમારડી ગામના લોકોને તેમજ ત્રિવેણી ઠાંગા ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા રામપરા, ખાટડી, ડાકવડલા, હબીયાસર, શેખલીયા, મેવાસા અને લોમા કોટડી ગામના લોકોને તાકીદ કરવામાં આવે છે કે, બંધની ઉપરવાસમાં અને નીચાણવાસમાં આવતા વિસ્તારોમાં કે નદીના ભાગમાં અવર-જવર કરવી નહીં.

(1:05 pm IST)