Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ડેમોમાં પાણીની ધીંગી આવક ચાલુ : ઉપલેટાનો ફોફળ છલકાયો : દ્વારકાના ૬ ડેમો એક રાતમાં છલોછલ

આજી - ન્યારી - લાલપરીમાં ધીમી આવક : સવારથી મેઘરાજાએ ખમૈયા કરતા અમુક ડેમોમાં આવકબંધ

રાજકોટ તા. ૮ : સતત ભારે વરસાદને કારણે રાજકોટ સહિત ૫ જિલ્લાના સંખ્યાબંધ ડેમોમાં આજે સવારે ૮ વાગ્યે મળતા રીપોર્ટ મુજબ પાણીની ધીંગી આવક ચાલુ હોય વધુ ૮ જેટલા ડેમો છલકાઇ ગયાનું કે ઓવરફલો થયાનું સિંચાઇ ખાતાના અધિકારી સૂત્રો જણાવી રહ્યા છે.

ઉપલેટાના ફોફળ ડેમમાં ૧૦ ફુટ પાણી ઠલવાતા આ ડેમની સપાટી ૨૫.૨૦ ફૂટે પહોંચી છે, ડેમ ૨૫.૫૦ ફૂટે છલકાય છે, ટુંક માં આ ડેમ છલકાઇ ગયો છે.

તો દ્વારકામાં મેઘરાજાએ દે ધનાધન કરી મૂકતા, ઘી, વર્તુ-૧, સોનમતી - શેઢા ભાડથરી - કાબરડા અને વેરાડી-૨ આ તમામ ૬ ડેમો છલકાઇ ગયા છે, આ ડેમોમાં એકરાતમાં ૨ થી ૧૩ ફૂટ જેવું નવુ પાણી ઠલવાયું છે.

આ ઉપરાંત રાજકોટના મહત્વના ન્યારી-૧ અને આજી-૧માં પાણીની ધીમી આવક ચાલુ છે, ન્યારી-૧ની સપાટી ૧૯.૭૦ ફૂટે પહોંચી છે, તો આજીની સપાટી ૨૪.૧૦ ફૂટે પહોંચી છે. જ્યારે સોડવદર-૪ાા ફૂટ, ગોંડલી-૧ાા ફૂટ, વાછપરી-૧ ફૂટની નવી આવક થઇ હતી અને લાલપરીમાં ૦.૧૩ ફૂટના વધારા સાથે સપાટી ૧૩ ફૂટ પહોંચી છે.  મોરબી જિલ્લાના મચ્છુ-૧માં ૦ાા ફૂટનો અને મચ્છુ-૨માં પોણા ફૂટનો વધારો થયો છે. જ્યારે ધોડાક્રોઇમાં પોણા ચાર ફૂટ નવુ પાણી આવતા કુલ સપાટી ૯.૯૦ થઇ છે.

(11:27 am IST)