Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

10મી જુલાઇથી જામનગર-મુંબઇ હવાઇ સેવાનો ફરી પ્રારંભ : બુધ અને શુક્રવાર બે દિવસ એરઇન્ડિયાની ફ્લાઇટ આવશે

જામનગરથી સવારે 9 કલાકે રવાના થઇ 10.10 કલાકે મુંબઇ પહોંચશે : પહેલી ઓગષ્ટથી રાજકોટ મુંબઇ સ્પાઇસ જેટની ફલાઇટનો પણ પ્રારંભ કરાશે

જામનગર : લોકડાઉન બાદ આગામી 10 જુલાઇથી જામનગર-મુંબઇ વચ્ચે એર ઇન્ડિયાની હવાઇ સેવાનો ફરીથી પ્રારંભ થઇ રહ્યો છે. સપ્તાહમાં બે દિવસ ફલાઇટ મુંબઇ-જામનગર વચ્ચે ઉડશે. જેના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

 લોકડાઉનના કારણે બંધ થઇ ગયેલી જામનગર-મુંબઇ હવાઇ સેવા 10 જુલાઇથી ફરી શરૂ થવા જઇ રહી છે. એર ઇન્ડિયા દ્વારા 21 ઓગષ્ટ સુધીનું સપ્તાહમાં બે દિવસ બુધ અને શુક્રવારે ફલાઇટનું શેડ્યુઅલ જાહેર કર્યું છે. જે મુજબ આ ફલાઇટ 6.10 કલાકે મુંબઇથી ઉડાન ભરીને 7.20 કલાકે જામનગર પહોંચશે.જ્યારે જામનગરથી સવારે 9 કલાકે રવાના થઇ 10.10 કલાકે મુંબઇ પહોંચશે. અગાઉ આ ફલાઇટ સવારે 11 વાગ્યે જામનગર આવતી હતી. તેને બે કલાક વહેલી કરી દેવામાં આવતા નવો સમય મુસાફરો માટે વધુ અનુકુળ હોવાનું જણાઇ રહ્યું છે.

  બીજી તરફ સ્પાઇસ જેટ પણ આગામી 1 ઓગષ્ટથી પોતાની રાજકોટ મુુંબઇ વચ્ચેની દૈનિક હવાઇ સેવાનો પ્રારંભ કરી રહ્યું છે. જે મુજબ દિવસમાં બે વખત સ્પાઇસની ફલાઇટ રાજકોટ આવશે. એક સવારે 8.00 કલાકે અને બીજી સાંજે 5.45 કલાકે રાજકોટ આવશે. આમ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વ્યાપારીઓ તથા અન્ય ધંધાર્થીઓ સવારે મુંબઇ જઇને સાંજે પરત રાજકોટ ફરી શકશે. આ ઉપરાંત એર ઇન્ડિયા દ્વારા પણ હાલ સપ્તાહમાં ત્રણ દિવસ મંગળ, ગુરૂ અને શનિવારે રાજકોટ મુંબઇ વચ્ચે દિવસની એક ફલાઇટ ઓપરેટ કરવામાં આવે છે.

(8:24 pm IST)