Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

આણંદપર કોઠારીયામાં વિજકરંટથી વાડી માલિક દેશળભાઇ ડોડીયા અને મજૂર છગનભાઇનું મોત

પાણી વાળતી વખતે વિજ ટ્રાન્સફોર્મરમાંથી કાળ ત્રાટકયોઃ પરિવારજનોમાં કલ્પાંત

રાજકોટ તા. ૨૯: કુવાડવાના આણંદપર કોઠારીયા ગામે વાડીએ પાણી વાળતી વખતે વિજ ટ્રાન્સફોર્મરમાંથી કરંટ લાગતાં વાડી માલિક રજપૂત આધેડ અને મજૂર મધ્યપ્રદેશના આધેડનું મોત નિપજતાં બંનેના સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

કોઠારીયા રહેતાં દેશળભાઇ દેવાભાઇ ડોડીયા (રજપૂત) (ઉ.વ.૪૫) અને તેની વાડીમાં બે વર્ષથી કામ કરતાં મુળ મધ્યપ્રદેશના છગનભાઇ વસ્તાભાઇ બામણીયા (ઉ.૪૬) સવારે વાડીએ પાણી વાળતાં હતાં ત્યારે વિજ ટ્રાન્સફોર્મરમાંથી કરંટ લાગતાં બંને ત્યાં જ  ઢળી પડ્યા હતાં. છગનભાઇનો પુત્ર રવિ ચા આપવા આવ્યો ત્યારે બંનેને બેભાન જોતાં બીજા લોકોને બોલાવ્યા હતાં અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ બંનેને નિષ્પ્રાણ જાહેર કરાયા હતાં.

મૃત્યુ પામનાર દેશભાઇ બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક પુત્ર હાર્દિકભાઇ છે. જ્યારે છગનભાઇ પાંચ ભાઇ અને એક બહેનમાં નાના હતાં. તેને સંતાનમાં ત્રણ પુત્રી અને ત્રણ પુત્ર છે. બનાવથી બંનેના સ્વજનો શોકમાં ગરક થઇ ગયા છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં કુવાડવા રોડ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(2:46 pm IST)