Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વરા ઘરવેરામાં ડિસ્કાઉન્ટઃ ઓનલાઇન વેરો ભરનારને વધુ રાહત

રહેણાંકમાં ૧૦ ટકા તેમજ બિન રહેણાંકમાં ર૦ ટકા ડિસ્કાઉન્ટઃ જનરલ બોર્ડ મળ્યું

જૂનાગઢ તા.ર૯: મહાનગરપાલિકાની જનરલ બોર્ડ (સામાન્ય સભા)ની બેઠક આશરે ૪ માસ બાદ પ્રથમ વખત મળી હતી અને કોરોના મહામારી કોવીડ-૧૯ અન્વયે તમામ પ્રકારની સરકારશ્રીની ગાઇડલાઇન્સને અનુસરી સોશ્યલ ડિસ્ટન્સ તથા માસ્ક પહેરી, સેનેટાઇઝરના ઉપયોગ સાથે સદસ્યોએ આ બોર્ડમાં ભાગ લીધેલ તથા પોતાની રજુઆતો કરેલ હતી. જનરલ બોર્ડમાં ઘરવેરામાં ડિસ્કાઉન્ટ આપવાનું મંજુર  કરેલ હતું.

આ બેઠક મેયર ધીરૂભાઇ ગોહેલના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં શહેર ભાજપ પ્રમુખ શશીકાંતભાઇ ભીમાણી, ડેપ્યુટી મેયર હિમાંશુભાઇ પંડયા, સ્ટેન્ડીંગ ચેરમેન રાકેશભાઇ ધુલેશીયા, શાસકપક્ષના નેતા નટુભાઇ પટોળીયા, દંડક ધરમણભાઇ ડાંગર, વિપક્ષ નેતા અદ્રેમાનભાઇ પંજા તથા સર્વે સદસ્યોની હાજરી વચ્ચે યોજાયેલ આ બેઠકમાં તા.૧૩-ર-ર૦ના પરીપત્ર નં.પ અને ૬ની મીટીંગની મીનીટસને બહાલ રાખવામાં આવેલ ત્યાર બાદ બોર્ડની બીજી બેઠક બપોરે ૧ર-૩૦ કલાકે મળેલ હતી જે બેઠકમાં જુનાગઢના નગરજનોને લોકડાઉનને કારણે વેપારધંધા બંધ રહેતા રાહતસ્વરૂપે ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષપણે થયેલ નીર્ણય અનુસાર કોરોના મહામારીની વિકટ પરિસ્થિતીમાં ગુજરાતની આર્થીક પ્રગતીનો વેગ ધીમો ન પડે અને રાજયના વિકાસની ગતિ જળવાઇ રહે તે માટે વેપાર ઉદ્યોગો અને સામાન્ય નાગરીકોને મદદરૂપ થવા માટે ગુજરાત આત્મનિર્ભર પેકેજ જાહેર કરવામાં આવેલ છે. ગુજરાત આત્મનિર્ભર પેકેજમાં પ્રોપર્ટી ટેકસને પણ રાહત આપવાનું નકકી થયેલ  છે. આજની સાધારત સભામાં ઘરવેરામાં રહેણાંકમાં ૧૦ ટકા અને બીનરહેણાંકમાં ર૦ ટકા સરકારશ્રી દ્વારા નકકી થયા મુજબ ડીસ્કાઉન્ટ આપવાનો નીર્ણય આજરોજ લેવામાં આવેલ છે.

મહાનગરપાલિકાના પોતાના સ્વભંડોળમાંથી જૂનાગઢના નગરજનોને ઘરવેરામાં તા.૩૧-૮-ર૦ સુધી ૧૦ ટકા વધારાના ડીસ્કાઉન્ટ રૂપે રાહત આપશે તથા જો અરજદાર ઓનલાઇન વેરો ભરશે તો ર ટકા વધારાનું મળી ૧ર ટકા ડીસ્કાઉન્ટ આપવામાં આવશે.

સરકારી અને જુનાગઢ મનપા દ્વારા બંન્ને ડીસ્કાઉન્ટ સાથે મળીને ઘરવેરા રહેણાંક હેતુમાં ઓનલાઇન સાથે કુલ રર ટકાના ડીસ્કાઉન્ટ અને બીન રહેણાંકમાં કુલ ૩ર ટકા ડીસ્કાઉન્ટ મળવાપાત્ર રહેશે. આ ડીસ્કાઉન્ટની તારીખ ૩૧-૮-ર૦ સુધી ૧૦૦ ટકા પાછલી રકમ સાથે ચાલુ વર્ષની રકમ ભરપાઇ કરશે તે અરજદારને આ રાહત મળવાપાત્ર રહેનાર છે.

(1:00 pm IST)