Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

મુંબઇથી આવેલા ખંભાળીયાના માસી - ભાણેજને કોરોના

થાણા - મુંબઇથી ૩ બાઇક અને એક કારમાં ૧૭ સભ્યો - આવ્યા'તા : અત્યાર સુધીમાં પોઝિટિવ કેસ બહારગામથી આવેલા લોકો

ખંભાળીયા તા. ૨૯ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બહારથી આવનારા લોકો જ કોરોના પોઝિટિવ નીકળતા હોય છે. ગઇકાલે ખંભાળીયામાં મુંબઇથી આવેલા એક સતવારા પરિવારના બે વ્યકિતઓને કોરોના પોઝિટિવ નીકળતા તંત્ર હરકતમાં આવી ગયું છે.

થાણા - મુંબઇથી આવેલા આ સત્તર સદસ્યો ત્રણ મોટરસાયકલ અને એક સ્કોર્પિયો કારમાં થાણા મુંબઇથી આવીને મેડીકલ તપાસ કરતા તાવ, માથાનો દુઃખાવો વિ. હોય નકુમ રીતીકા નરેન્દ્રભાઇ (ઉ.૯) તથા અરવિંદાબેન અશ્વીનભાઇ નકુમ (ઉ.૪૦)ને પણ માથાનો દુઃખાવો શરીરમાં દુઃખાવો તથા તાવ હતો જેથી બંનેનું ચેકીંગ કરાતા જામનગરમાં લેબોરેટરીમાં મોકલતા બંનેના રિપોર્ટ પોઝિટિવ આવતા ખંભાળિયા હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં દાખલ કરાયા છે.

ગત તા. ૨૨-૬-૨૦ના મુસાફરી કરીને ૨૩-૬-૨૦ના રોજ ખંભાળીયા આવતા ધોરીવાવ સ્કુલમાં કોરેન્ટાઇન કરાયા હતા. જેમના નમૂના તા. ૨૮-૬-૨૦ના રોજ લીધા હતા અને આજે સવારે પોઝિટિવ રીપોર્ટ આવ્યો હતો. બાકીના હજુ સરકારી ધોરીવાવ શાળામાં કોરેન્ટાઇન થયેલા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઇકાલ સુધીમાં ૩૬૦૦ ટેસ્ટ થયા છે. જેમાં ૨૧ પોઝીટીવ નીકળ્યા અને ગઇકાલના ૫૮ ટેસ્ટીંગમાં ૨ કેસ પોઝિટિવ નીકળ્યા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં જે કંઇ કેસ કોરોના પોઝિટિવ નીકળ્યા તે બધા બહારગામની હિસ્ટ્રીવાળા છે. મુંબઇ, અમદાવાદ, સુરત, રાજકોટ વિ. ગામો તથા અજમેરથી આવેલા વ્યકિતઓને જ કોરોના પોઝિટિવ આવ્યા છે સ્થાનિક સંક્રમણના કોઇ કેસ હજુ નોંધાયા નથી.

જોકે મુંબઇથી આવેલા વ્યકિતઓમાં ગઇ કાલે એક સાથે બે નીકળતા તંત્ર હરકતમાં આવ્યું હતું તથા તેના સંપર્કમાં આવેલા વ્યકિતઓના નામ - સરનામા લઇને ટેસ્ટીંગ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મુંબઇથી આવેલા આ સત્તર પરિવારના સદસ્યો પૈકી બેને ખંભાળીયા સરકારી હોસ્પિટલમાં તથા ૧૫ને ધોરીવાવ શાળામાં કોરેન્ટાઇન કરાયા છે તથા થોડા સમય પછી તેમનું પણ ટેસ્ટીંગ કરવામાં આવશે. બે દર્દી નીકળ્યા તે સરકારી કોરોન્ટાઇનમાં હોય નવો કન્ટેમેન્ટ ઝોન જાહેર નહીં થાય. જોકે તાજેતરમાં હરિપર ગામે પણ નવા મુંબઇથી ૫૮ વ્યકિતઓ આવેલા પણ તેમનામાં કોઇ લક્ષણો આવેલા નથી.

મુંબઇ - અમદાવાદથી વ્યાપક કોરોના પોઝિટિવ આવતા આ વિસ્તારમાં ભય ફેલાયો છે.(

(12:48 pm IST)