Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ઉપલેટા-ધોરાજી બાયપાસ રોડ પર આવેલ રેલવેનો પુલ જર્જરિત: અનેક રજૂઆતો છતાં ઉકેલ નહીં !!

મોટા મોટા ખાડાઓ પડતા ખિલાસરીઓ બહાર આવતા વાહનોને નુકશાન : મોટર સાયકલ ચાલકો રોજ બરોજ પડતા રહે છે

ઉપલેટાઃ  શહેરના જૂના ઉપલેટા - ધોરાજી બાયપાસ રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળની સામેના સાંઢિયા પુલ તરીકે ઓળખાતા રેલવેના આ પુલ પર હાલ મોટા-મોટા ખાડાઓ અને બાવળ સાથે નાના ઝાડને કારણે દીવાલોમાં મોટી મોટી તિરાડો પડી ગયેલ છે અને આ દીવાલો રેલ્વે ટ્રેક તરફ નમી ગયેલ છે. જે ગમે ત્યારે ગંભીર અકસ્માત સર્જી શકે છે. આ મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. લોખંડની ખિલાસરીઓ બહાર નીકળી આવી છે અમુક ખિલાસરીઓ તો તૂટીને ઊંચી આવી જતા અનેક વાહનોને નુકશાન પણ થયેલ છે. 

આ પુલ ઉપરના તથા બંને સાઈડના રસ્તામાં મોટા-મોટા ખાડાઓ પડી ગયા છે. પુલ ઉપરના ખાડાઓમાં ખિલાસરીઓ બહાર દેખાઈ આવી છે. આ સમસ્યાઓ અંગે લોકોએ તેમજ આગેવાનોએ અનેકવાર તંત્રને રજૂઆત કરેલ છે. છતાં તંત્ર કોઈ જ કામગીરી કરતું નથી તેવું લોકો જણાવી રહ્યા છે. ઉપલેટા શહેરમાંથી રાજકોટ, અમદાવાદ, જુનાગઢ, સોમનાથ, તરફ જતા આ જુના બાયપાસ રોડ પર રસ્તાઓની બંને બાજુ બાવળની ઝાડીઓ ગામડાની ગારીઓની જેમ રસ્તાઓમાં ફેલાઈ ગઈ છે. જે સમસ્યાઓ સર્જે છે. અત્યારે રોડની હાલત જોતા કોઈપણ ન કહી શકે કે આ જૂનો નેશનલ હાઇવે છે. 

આ અંગે અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈપણ તંત્ર દ્વારા રસ્તો રીપેર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી નથી. ઉપલેટા નગરપાલિકાને જાણ કરવા છતાં કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. કોઈ મોટી દુર્ઘટના બને તો એ માટે જવાબદારી કોની ? શું તંત્ર કોઈ દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે ? મોટરસાયકલ ચાલકો દરરોજ બે-ત્રણ વખત પડે છે. અને ખાડાઓથી બચવા જો સાઈડમાં લે અથવા  કોઈપણ બ્રેક મારે તો બીજા વાહન પાછળથી કે આગળથી અથડાઈ જાય છે અને બંધ પણ પડી જાય છે. જેથી પાછળ આવતા વાહનો સાથે અથડાવાનો પણ ભય રહેલો છે. તેમજ અવારનવાર વાહનો અથડાવા બાબતે ઘણા વાહન ચાલકો વચ્ચે માથાકુટો પણ થયેલી છે. 

(9:26 pm IST)