Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

ઉપલેટામાં ગોપલ નમકીનના ટ્રક ડ્રાઇવરે નશોખોર હાલતમાં અનેક વાહનો કચડી નાખ્યા

વાહન ચાલકોને લાખોનું નુકશાન પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી તપાસ આરંભી

ઉપલેટા, તા. રર : અહીંયા સવારે ધોરાજી રોડ ઉપર બસ સ્ટેન્ડ ચોક નજીક ગોપાલ નમકીન ભરેલું કન્ટેનર પસાર થયેલ હતું. કન્ટેનરનો ડ્રાઇવર નશાની હાલતમાં હોવાથી રોડ પર રહેલા લગભગ ૧૧ જેટલા વાહનોને હડફેટે લઇ નુકશાની કર્યાની ફરીયાદ ઉપલેટા પોલીસમાં નોંધાયેલ છે.

વિગત મુજબ આજે સવારે ગોપાલ નમકીનના ટ્રક જીજે-૦૩-એ.ટી. ર૩૯૭ ચાલક રમેશભાઇ કારાભાઇ વાણીયા (સગર) રે. અમરદળ તા. રાણાવાવ એ દારૂના નશામાં ટ્રક ચલાવી ધોરાજીથી ઉપલેટા ડીલવરી માટે આવી રહ્યો હતો તે દરમ્યાન અહીંના બસ સ્ટેન્ડ ચોક નજીક તેમણે સ્ટીયરીંગ ઉપર કાબુ ગુમાવ્યા બાદ રોડ પર લગભગ અડધો કિલોમીટરના એરીયામાં પાર્કીંગ કરેલા વાહન ૩ ફોર વ્હીલ તથા ૮ મોટર સાયકલ હડફેટે લઇ મોટી નુકશાની કરેલ હતી. બાદમાં ઘટનાસ્થળ ઉપર લોકોના ટોળાઓ એકઠા થઇ જતા કન્ટેનરને રોકી આ અંગેની જાણ સ્થાનિક પોલીસને કરતા ઉપલેટા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

દરમ્યાન એકઠા થયેલા લોકોએ નશાની હાલતમાં ધુત ડ્રાઇવરને ઢોર માર માર્યા બાદ આ અંગેની ફરીયાદ નિમેષભાઇ મહેશભાઇ જોષી પોતાનાના મોટર સાયકલ નંબર જી.જે.૦૩ એફ.એમ. ૬૩૯૯ ને ટ્રક નીચે કચડી રૂ. ૩૦,૦૦૦ની નુકશાની તેમજ ઉપરોકત વાહનોમાં અંદાજે ૩ થી ૪ લાખ રૂપિયાની નુકશાની થયાની ફરીયાદ ઉપલેટા પોલીસમાં નોંધાવતા ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.

સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાની થયેલ નથી અને આ અંગેની તપાસ પો.જ. વાઘમશીભાઇ ચલાવી રહ્યાં છે.

(11:41 am IST)