Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

ઉપલેટામાં પાન-બીડીની જથ્થાબંધ દુકાનો ખુલતાની સાથે લાંબી કતારો

સામાજિક અંતરનો ભંગ કરી પુરૂષો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા

ઉપલેટા,તા.૨૨: ઉપલેટા લોકડાઉન-૪ માં પાન-સોપારીના જથ્થાબંધ વ્યાપારીઓને ત્યાં વહેલી સવારથી દુકાનો ખુલે તે પહેલા જ વ્યસનનું સેવન કરનારા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જ લાંબી લાઈનો થઈ ગઈ હતી. ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ ચોક, રાજમાર્ગ રોડ, ગાંધી ચોક સહિતના વિસ્તારોમાં આવેલઙ્ગ જથ્થાબંધ વ્યાપારીઓની દુકાનોમાંઙ્ગ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

દરેક જથ્થાબંધ વ્યાપારીને ત્યાં અંદાજીત ૩૦૦ થી ૫૦૦ લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. આ લાંબી લાઈનોમાં લોકોએ સામાજિક અંતર પણ નહોતુ જાળવ્યું ઉપરાંત વ્યાપારીઓ દ્વારા સામાજિક અંતરને લઈને કોઈ જાતની પુર્વ તૈયારીઓ પણ કરવામાં નહોતીઙ્ગ આવેલ. આ લાંબી કતારોમાં પુરુષો સાથે સાથે મહિલાઓ પણ આ લાઇનોમાં જોવા મળી હતી.

અત્યાર સુધી આટલી ભીડ દૂધની ડેરી, કરીયાણા સ્ટોર તેમજ આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ઉપર પણ કયારેય નહોતી જોવા મળી. ઉપલેટા નગરપાલિકા તંત્ર દ્વારા એકી અને બેકી સંખ્યા મુજબ દુકાનો ખોલવાની મંજૂરી અપાતા શહેરમાં ભારે ભીડ જોવા મળી અને તમાકુ તેમજ સોપારી અને બીડીના જથ્થાબંધ વ્યાપારીઓને ત્યાં ભારે ભીડ સાથે લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા.

આ પરથી એવું લાગી રહ્યું છે કે લોકો કેટલી હદે વ્યસનના ભરડામાં સપડાઇ ગયા છે.

(11:40 am IST)