Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

ગોંડલના વાછરા ગામના પૂર્વ સરપંચ દ્વારા પરિવાર સાથે આત્મવિલોપનની ચીમકી

એટ્રોસીટીની ફરીયાદમાં પોલીસ કાર્યવાહી કરે તે પૂર્વે ત્રણ શખ્સોએ ઘરે આવી મારી નાખવાની ધમકી આપીઃ પોલીસમાં લેખીત રજુઆત

ગોંડલ તા. રરઃ ગોંડલ તાલુકાના વાછરા ગામના પૂર્વ સરપંચે તાલુકા પોલીસમાં લેખીત રજુઆત કરી પરિવાર સાથે આત્મવિલોપન કરવાની ચીમકી આપેલ છે.ગોંડલ તાલુકાના વાછરા ગામના પૂર્વ સરપંચ ગંગાબેન મુળજીભાઇ સોલંકી એ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખીત અરજી કરતા જણાવેલ હતું કે, તા. ૩૦/૪ ના રોજ ગોંડલ તાલુકા પોલીસ આઇ.પી.સી. કલમ ૪૪૮, ૩ર૩, પ૦૪, ૧૧૪ તેમજ એટ્રોસીટી એકટ કલમ-૩(૧)(આર) (એસ) ૩ (ર) (પ-એ) મુજબ આરોપી મહેશ ચના ખુંટ, જયસુખભાઇ બાબુભાઇ ચોથાણી વિરૂધ્ધ ઉપરોકત ગુનો નોંધેલ છે પરંતુ આજ સુધી પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરેલ નથી ત્યારે ફરી આરોપી મહેશભાઇ ચનાભાઇ ખુંટ, જયસુખભાઇ બાબુભાઇ ચોથાણી તથા અજાણ્યો એક શખ્સ આજરોજ મારી ઘરે આવી ગાળો બોલી ફરી ધમકી આપતા બોલતા હતા કે તારો પુત્ર પ્રફુલને બાર કાઢ તેમને પુરો કરી નાખવો છે. તેમજ હાથમાં લાકડાનો ધોકો હતા તે ધોકો બારીમાંથી મારા ઘરમાં નાંખી બિભત્સ ગાળો અને ધમકીઓ આપતા હતાં તેમજ જયસુખ ચોથાણી એ ઘર સળગાવી નાખવાની ધમકી આપેલ હતી ત્યારે ત્રીજો અજાણ્યો માણસ કેસ પાછા ખેંચી લેવા ધમકી આપતા હતાં.

આરોપીઓ પૈસાપાત્ર, વગવાળા, સાધન સંપન્ન વ્યકિતઓ હોય તાત્કાલીક મને અને મારા પરિવારને પોલીસ રક્ષણ આપવા તેમજ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરેલ છે. અન્યથા ગંગાબેન તેમજ પરિવાર સામુહીક આત્મવિલોપન કરશે તેવું લેખિતમાં વિવિધ વિભાગમાં લેખીત જણાવ્યું હતું.

(11:38 am IST)