Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

સાવરકુંડલામાં ૩ વર્ષની બાળા ઉપર દુષ્કર્મઃ હાહાકાર

ભિક્ષાવૃતિ કરતા પરિવારની બાળાને ઉઠાવી જઇને નરાધમો નાસી છૂટયા

આટકોટ તા. રર :.. અમરેલીના સાવરકુંડલા ગામે નાવલી નદીના પટ્ટમાં ઝૂંપડુ બાંધી ભીક્ષાવૃતિ કરી પેટીયુ રળતા પરિવારની ત્રણ વર્ષની બાળકીને ઉઠાવી જઇ નરાધમે ફુલ જેવી બાળકીને પીંખી નાખી બળાત્કાર કરી સાવરકુંડલાથી સાત કિ.મી. દુર ઝીંઝૂડા ગામ પાસે રેઢી મુકી નાસી જતા સનસનાટી ફેલાઇ ગઇ હતી લોકો નરાધમ સામે ફીટકાર વર્ષાવી રહયા  છે. આ બનાવની જાણ થતા એસ. પી. સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાવરકુંડલા દોડી ગયા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સાવરકુંડલા ગામે નાવલી નદીના પટ્ટ પાસે આવેલ જનતા બાગ પાછળ ઝૂંપડપટ્ટીમાં રહેતા અત્યંત ગરીબ પરિવારની ત્રણ વર્ષની બાળા તેના માતા-પિતા સાથે સુતી હતી આ દરમિયાન નિંદરમાં જ અજાણ્યા નરાધમે બાળકીને ઉઠાવી લઇ નાસી ગયો હતો બાદમાં ઝીંઝૂડા ગામ પાસે અથવા બીજી જગ્યાએ આ બાળકી ઉપર બળાત્કાર અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરી બાળકીને લોહી-લુહાણ કરી મૂકી રેઢી મૂકી નાસી છૂટયો હતો.

વહેલી સવારે ગામ લોકોની અવર-જવર ચાલુ થતાં આ બાળકી લોહી-લુહાણ નજરે પડતા કોઇએ પોલીસ અને ૧૦૮ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને બાળકીને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવી હતી.

અજાણ્યા નરાધમ સામે પોલીસે બાળકીની માતાની ફરીયાદના આધારે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ અપહરણ, બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા નાકાબંધી કરી છે.

આ બનાવની જાણ થતાં અમરેલી જીલ્લાના કડક એસ.પી. નિર્લિપ્તરાય, એસ.એસ.પી. પ્રેમસુખ ડેલુ, એ.એસ.પી. સુશીલ અગ્રવાલ, ડીવાયએસપી ચૌધરી, એલસીબી પીઆઇ કરમટા સાવરકુંડલા દોડી આવી જરૂરી તપાસ હાથ ધરી છે.

આ બનાવે સાવરકુંડલામાં ભારે ચર્ચા જગાવી છે અને લોકો આ નરાધમ સામે ફિટકાર વર્ષાવી રહ્યા છે અને નરાધમને કડક સજા કરવા માંગ કરી છે.

હાલ બાળાની તબીયત સારી હોવાનું સાવરકુંડલા પોલીસે જણાવ્યું છે.

(11:29 am IST)