Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

કચ્છમાં કોરોના કામગીરીના છબરડા : લાયઝન અધિકારીની મુલાકાત દરમિયાન જ તંત્રનો ભગો

કન્ટેનમેન્ટ ઝોનમાં દર્દીના મકાનની બાદબાકી થતાં ગાંધીધામમાં ડખ્ખો : મુંદ્રામાં બહારથી આવનારાઓને ગીચ વસ્તીમાં કવોરેન્ટાઇન કરાતા હોબાળો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૨ : કોરોનાની મહામારીમાં સરકારની એલર્ટભરી કામગીરીની જાહેરાતો વચ્ચે કચ્છમાં તંત્રના છબરડાઓએ લોકોમાં ફફડાટ અને ચિંતા સજર્યા છે. ગઈકાલે એકબાજુ કચ્છમાં કોરોનાની કામગીરીની સમીક્ષા કરવા લાયઝન અધિકારી રોહિત ડોડીયાએ ભચાઉની મુલાકાત લીધી હતી. અહીં જાહેર કરાયેલા કન્ટેનમેન્ટ ઝોન, સેમ્પલ ટેસ્ટિંગ વિશેની સમીક્ષા કરી હતી.

જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી અને આરોગ્ય અધિકારી ડો. કન્નરે તેમને માહિતી આપી હતી. બીજી બાજુ ભચાઉની બાજુમાંજ ગાંધીધામમાં કન્ટેનમેન્ટ ઝોનના મુદ્દે વોર્ડ નં. ૨/બી માં મોટો ડખ્ખો થયો હતો. અહીં જે કોરોનાના મહિલા દર્દી રહે છે, તેમના મકાનના ૨૩૬ અને તે આખી લાઇનને જ કન્ટેનમેન્ટ ઝોનમાંથી બાકાત રાખીને બાકીની સોસાયટીને કન્ટેનમેન્ટ ઝોનમાં નાખી દેવાઈ હતી.

જોકે, રહેવાસીઓના હોબાળા પછી તંત્રએ ભૂલ સુધારી હતી. જોકે, અધિકારીઓ મિટિંગના દોરમાં વ્યસ્ત રહેતા હોઈ દરરોજ આવા નાના મોટા છબરડાઓ થઈ રહ્યા છે. તો, મુન્દ્રાના વર્ધમાનનગર, ઓસવાળ ફળીયો અને ફોફળ ફળીયામાં લોકોની ગીચ વસ્તી વચ્ચે બહારથી આવનારાઓને કવોરેન્ટાઈન કરાતાં લોકોએ હોબાળો મચાવ્યો હતો. લોકોના વિરોધ બાદ આ લોકોને બહાર કવોરેન્ટાઈન કરાયા હતા. આ બાબતે મુન્દ્રા ગ્રામ પંચાયતના સદસ્ય ભરત પાતારીયાએ રજુઆત કરીને કવોરેન્ટાઈન સેન્ટર વસ્તીથી બહાર ખસેડવા માગ કરી છે.

(10:48 am IST)