Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

સૌરાષ્‍ટ્રમાં પ્રથમ મોત

કોરોનાનો રીપોર્ટ આવે તે પહેલા ભાવનગરમાં ૭૦ વર્ષના વૃદ્ધનું મોત

દિલ્‍હીથી થોડા દિવસ પહેલા આવ્‍યા'તાઃ ડાયાબીટીસ અને હૃદયની પણ બિમારી હતીઃ ગોહિલવાડમાં મહામારીએ પહેલો ભોગ લેતા ભારે ભય

ભાવનગર, તા. ૨૬ :. કોરોના રોગચાળો ધીમે ધીમે આગળ વધી રહ્યો છે ત્‍યારે ભાવનગરમાં ૭૦ વર્ષના વૃદ્ધનું કોરોનાનો રીપોર્ટ આવે તે પહેલા જ મોત નિપજતા અરેરાટી વ્‍યાપી ગઈ છે.

પ્રાપ્‍ત માહિતી મુજબ ભાવનગરમાં રહેતા ૭૦ વર્ષના વૃદ્ધ થોડા દિવસ પહેલા દિલ્‍હીથી પરત આવ્‍યા બાદ તેનામા કોરોનાના લક્ષણો જોવા મળ્‍યા હતા. ત્‍યાર બાદ તેમના કોરોનાના રીપોર્ટ કરવામાં આવ્‍યા હતા, પરંતુ રીપોર્ટ આવે તે પહેલા જ આજે તેમનુ મોત થયુ હતું.

ભાવનગરમાં કોરોનાએ પ્રથમ વ્‍યકિતનો ભોગ લેતા અરેરાટી વ્‍યાપી ગઈ છે. અત્‍યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાથી ૩ વ્‍યકિતના મોત નિપજયા છે.

ભાવનગરમાં મુસ્‍લિમ વૃદ્ધનું મોત નિપજ્‍યુ હોવાની વાતને જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ સમર્થન આપ્‍યુ છે. તેમજ રાજ્‍યના આરોગ્‍ય સચિવ ડો. જયંતી રવિએ પણ આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે.

ભાવનગરના ૭૦ વર્ષના વૃદ્ધ છેલ્લા ૧૪ દિવસથી કોરન્‍ટાઈન હતા. ત્‍યાર બાદ આજે સવારે તેમનુ મોત નિપજ્‍યુ હતું. ભાવનગરમાં કોરોનાએ એક વ્‍યકિતનો ભોગ લેતા આરોગ્‍ય ટીમ અને કલેકટર તંત્રએ દોડધામ મચાવી દીધી છે અને તાબડતોબ આ વિસ્‍તારમાં સર્વે સહિતની કામગીરી શરૂ કરી દીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગરની સર ટી. હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવેલ કોરોના શંકાસ્‍પદ બાકી રહેલા ૪ દર્દીના રિપોર્ટ નેગેટીવ આવ્‍યા હતા. હાલ હોસ્‍પિટલના ઇએસોલેશન વોર્ડમાં એક પણ કોરોના શંકાસ્‍પદ દર્દી દાખલ નથી.

ભાવનગરની સર ટી.હોસ્‍પિટલમાં ગઈકાલે દાખલ કોરોના શંકાસ્‍પદ ગ્રામ્‍ય વિસ્‍તારના બે દર્દીઓના કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્‍યા છે. આ ઉપરાંત ભાવનગર શહેરના બે શંકાસ્‍પદ પુરુષ દર્દીના રિપોર્ટ પણ નેગેટીવ આવ્‍યા છે. આ તમામ ચાર દર્દીના રિપોર્ટ નેગેટીવ આવતા તમામને અન્‍ય વોર્ડમાં શિફ્‌ટ કરવામાં આવ્‍યા છે.હાલ કોરોના આઇસોલેશન વોર્ડમાં એક પણ દર્દી દાખલ ન હોવાનું તંત્રએ જણાવ્‍યું હતું.

ભાવનગરની સર ટી.હોસ્‍પિટલમાં કોરોના ટેસ્‍ટ લેબ કાર્યરત થઈ જતા રિપોર્ટ ઝડપથી થઈ રહ્યા છે.આ ઉપરાંત બે એમ્‍બ્‍યુલન્‍સ અને ૭૦થી વધુ સભ્‍યોની મેડિકલ ટીમ પણ સેવામાં છે.

(1:56 pm IST)