Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

લોકડાઉન દરમિયાન જેતપુરમાં ધમધમતા હતા કાપડના ત્રણ કારખાના: કડક કાર્યવાહી

રાતપાળીમાં કેટલાય મજૂરો કરખાનાની અંદર લોક મારીને કરાવતું હતું કામ

જેતપુર : દેશભરમાં લોકડાઉન વચ્ચે જેતપુરમાં કલમ 144 જાહેરનામાનો ભંગ થયો હતો આ જાહેરનામુ માત્ર સામાન્ય માણસ માટે હોય તેવું લાગી રહ્યું હતું. મોટા ઉદ્યોગપતિ માટે 144નું જાહેરનામુ માત્ર એક કલમ હોય તેવું દેખાતું હતું. આવા કારખાનેદાર ઉપર જાહેરનામાના ભંગની ફરિયાદ કરવામાં આવી હતી. 3 જેટલા કારખાના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

જેતપુરના સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલ ઉદ્યોગપતિને આ જાહેરનામુ લાગુ ના પડતું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે વડાપ્રધાન મોદીની સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત પછી પણ જેતપુરના કપડાં પ્રોસેસ હાઉસ બેરોકટોક ચલતા હતા. જેતપુર મામલતદાર ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને પોલીસ દ્વારા આજે આ કાપડ પ્રોસેસ હાઉસ ઉપર સંયુક્ત રીતે રાત્રિ ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું.

  આ 3 વિભાગ દ્વારા કરવામાં આવેલ રાત્રિ ચેકિંગ દરમિયાન 4 જેટલા કાપડ પ્રોસેસ હાઉસોમાં 2 પ્રોસેસ હાઉસ અને એક સાડી ફિનિશિંગના કારખાના ધમધમતા જોવા મળ્યા હતા. જેમાં ધોરાજી રોડ કેનાલ ઉપર આવેલ રામેશ્વર ફ્લેટમાં ચેકીગ કરતા અહીં 60 થી 70 જેટલા મજૂરો કારખાનાની અંદર દરવાજામાં લોક મારીને કામ કરી રહ્યા હતા. જે ચેકિંગની સ્કોવડ આવતા કારખાનું મૂકીને ભાગી ગયા હતા. જેતપુર પોલીસ અને જેતપુર મામલતદાર દ્વારા રામેશ્વર ફ્લેટના માલિકને પોલીસ સ્ટેશને લઈ જઈને જાહેરનામા ભંગ સહિતના ગુના નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

  સાથે ચાંપરાજ પુર રોડ ઉપર આવેલ જોન્સન પ્રોસેસનું ચેકિંગ કરતા તે પણ પૂરજોશમાં ચાલુ જોવા મળ્યું હતું, અહીં પણ 45 જેટલા મજૂરો રાત્રિ દરમિયાન કામ કરતા પકડાયા હતા. સાથે આ વિસ્તારમાં આવેલ ગાયત્રી સાડી ફિનિશિંગમાં પણ 35 જેટલા મજૂરો બિન્દાસ્ત કામ કરતા જોવા મળ્યા હતા. આ તમામ ઉપર જાહેરનામાના ભંગની પોલીસ ફરિયાદ સાથે કડક કાર્યવાહી કરવા આવી હતી તેવું ડેપ્યુટી મામલતદાર એમ.એમ. કાપડિયાએ જણાવ્યું હતું.

(8:52 pm IST)