Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

વાસાવડ-દડવા-ખંભાલીડા પંથકમાં માવઠુઃ સવારથી ધૂપ-છાંવ

મોડી રાત્રીના - વહેલી સવારના સમયે સામાન્ય ઠંડક બાદ આખો દિવસ ઉકળાટઃ સાંજે કોઈ - કોઈ જગ્યાએ વરસતો કમોસમી વરસાદ

રાજકોટ, તા. ૨૫ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારથી ધૂપ-છાંવનો માહોલ છે ગઈકાલે જોડિયા અને ગોંડલ પંથકમાં કમોસમી વરસાદ વરસતા ચિંતા પ્રસરી ગઈ છે. સવારે - રાત્રે સામાન્ય ઠંડક બાદ આખો દિવસ અસહ્ય ઉકળાટ રહે છે અને સાંજના કમોસમી વરસાદ વરસી જાય છે.

ગોંડલ

ગોંડલઃ ગોંડલ તાલુકાના વાસાવડ - દડવા વચ્ચે તેમજ ખંભાલીડામા પણ કમોસમી વરસાદ પડતા વાતાવરણમા ઠંડક પ્રસરી ગઈ હતી.

જોડિયા

જોડીયાઃ કોઈપણ આફત પૂછીને નથી આવતી... દેશમાં કોરોનાની આફતથી લોકડાઉન ચાલી રહ્યુ છે. જ્યારે બીજી બાજુ મોસમની અણધારી આફત આજ સવારથી જોડિયા પંથક પર ઘટાટોપ વાદળા છવાતા જોડિયા પંથકના ખેડૂતોમાં ચિંતામા વધારો થયો છે.

વરસાદ આવે તો ખેડૂતોના જીરા, ઘઉં લણ્યા બાદ નિકાલની પ્રતિક્રિયા બાકી છે. ખેતરોમાં ઢગલા પડયા છે. વરસાદથી નુકશાન પહોંચી શકે છે. કોરોનાના વાયરસે ભયનો માહોલ ઉભો કર્યો છે જેથી ખેત મજુર ઘરથી બહાર નિકળી શકતા નથી. ખેત મજુરોના અભાવે પાકને સહીસલામત ઘર ભેગા કરવા માટે મજુરોના અભાવે ખેડૂતોને દિવસે તારા દેખાય રહ્યા છે. એક બાજુ કોરોના કહેર તો બીજી બાજુ માવઠાની અણધારી આફતથી હવે ઈશ્વર જ એક માત્ર બચાવી શકે.

જામનગર

જામનગરઃ આજનુ હવામાન ૩૪ મહત્તમ, ૭૮ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૫.૨ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(1:18 pm IST)