Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

રાજુલા સહિત ૧૯મી એપ્રિલ સુધીના તમામ કાર્યક્રમો રદ કરતા પૂ. મોરારિબાપુ

રાજુલામાં બાકીના દિવસોની કથા અનુકુળતાએ પુનઃ ગવાશે : તલગાજરડામાં હનુમાન જયંતિ ઉત્સવ, મસૂરી અને પુનામાં યોજાનાર રામકથા રદ

રાજકોટ, તા. રપ : રાજુલા સહિત ૧૯મી એપ્રિલ સુધીના તમામ કાર્યક્રમો  પૂ. મોરારિબાપુએ કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા અને તંત્રની સુચનાને લીધે રદ કરેલ છે.

રાજુલામાં તા. ૧ એપ્રિલથી શરૂ થનાર બાકીના દિવસોની કથા અનુકુળતાએ પુનઃ ગવાશે. તલગાજરડામાં હનુમાન જયંતિ ઉત્સવ, મસૂરી અને પુનામાં યોજાનાર રામકથા રદ  કરેલ છે.

તારીખ ૧૪ થી ૨૨ માર્ચ દરમ્યાન રાજુલા નજીકના રામપરા ખાતે પૂજય મોરારિબાપુની રામકથાનું  આયોજન થયું હતું. કથાનો પ્રારંભ સ્થાનિક પ્રશાશનની મંજૂરી મેળવ્યા બાદ કરવામાં આવ્યો હતો. પરંતુ તે  દરમ્યાન કોરોના વાઇરસની મહામારીની સ્થિતિ સર્જાતાં લોક આરોગ્યની કાળજીના ભાગ રૂપે ત્રણ દિવસોની રામકથા પૂર્ણ થયા બાદ પૂજય બાપુએ એ રામકથાને પંદર દિવસો માટે સ્થગિત કરી હતી. એ વખતે સરકારીતંત્રની અપીલ, લોક આરોગ્ય, લોક સુખાકારીની કાળજીના ભાગરૂપે તેમજ પૂજય બાપુની તકેદારીને ધ્યાનમાં રાખી ૧ એપ્રિલથી તે કથાને આગળ લઈ જવા નક્કી થયું હતું. પરંતુ આપણે જાણીએ છીએ તેમ એ પછીથી આ મહામારીએ વૈશ્વિક રૂપ ધારણ કર્યું છે. ગઈકાલે આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ ૨૧ દિવસોનો રાષ્ટ્રીય લોકઆઉટ પણ જાહેર કરેલ છે.

સમગ્ર પરિસ્થિતિની ગંભીરતાને લક્ષમાં લેતા પૂજય મોરારીબાપુએ રાજુલા નજીકના રામપરાની આ રામકથાને રદ્દ કરવાની જાહેરાત કરી છે. ભવિષ્યમાં કોરોનાને લઈને જયારે સમગ્ર દેશની સ્થિતિ પુનઃ સામાન્ય બનશે ત્યારે અનુકૂળતા અનુસાર એ રામકથાને પુનઃ યોજવામાં આવશે તેમ એમણે એક નિવેદનમાં જણાવ્યું છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શ્રી ચિત્રકૂટધામ-તલગાજરડા ખાતે યોજાનારા શ્રી. હનુમાનજયંતીના કાર્યક્રમો અને મસુરી  તેમજ  પુના નજીકનાં દેહુ ખાતે યોજાનારી રામકથાને પણ રદ્દ કરવામાં આવેલ છે. આ તકે એમણે લોકોને પ્રશાશન દ્વારા આપવામાં આવતા નિર્દેશોનું આત્મ સંયમ સાથે પાલન કરવા પણ અપીલ કરી છે. આગામી કથાઓની વધુ વિગતો ઓફિસિઅલ વેબસાઈટ પર મૂકવામાં આવશે.

(1:15 pm IST)