Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

લોકડાઉનને લઇ જુનાગઢમાં સન્નાટો એસપી સૌરભસિંઘનું પેટ્રોલીંગ

રસ્તાઓ, બજારો સુમસામ તંત્રની બાજ નજર

જુનાગઢ તા. રપ : લોકડાઉનને લઇ આજે પણ જુનાગઢમાં સન્નાટો રહ્યો છે આમ છતા લોકડાઉનનું સંપૂર્ણ પાલન થાય તે માટે તંત્ર બાજ નજર રાખી રહ્યું છે.

વિશ્વભરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો હોય ભારત દેશમાં આ મહામારીને અટકાવવા માટે મધરાતથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરેલ છે અને લોકોને ઘરમાં જ રહી સ્વસ્થ રહેવા અનુરોધ કર્યો છે.

ત્યારે જુનાગઢ શહેર અને જિલ્લામાં લોકડાઉનનું લોકો પાલન કરે તે માટે કલેકટર ડો. સૌરભ પારધી, ડીડીઓ પ્રવીણ ચૌધરી એસપી સૌરભસિંઘ, મ્યુનિ. કમિશનર તુષાર સુમરા સહિતના અધિકારીઓ બાજ નજર રાખી રહ્યા છે.

ગુજરાતમાં તો અગાઉ ૩૧ માર્ચ સુધી લોકડાઉન કરવામાં આવેલ હવે મધરાતથી ર૧ દિવસનું લોકડાઉન કરવામાં આવેલ હોવાથી જુનાગઢમાં આજે બીજા દિવસે પણ સન્નાટો રહેવા પામ્યો છે.

જુનાગઢની બજારો માર્ગો વગેરે  લોકડાઉનના કારણે સુમસામ ભાસે છે આજે પણ સવારથી પોલીસ જવાનો વિવિધ વિસ્તારોમાં ખડેપગે રહીને લોકડાઉનનુ લોકો પાસે પાલન કરાવતા જોવા મળ્યા હતા.

એસપી સૌરભસિંઘે આજે બીજા દિવસે પણ જુનાગઢના વિવિધ વિસ્તારોમાં જાતે પેટ્રોલીંગ કરીને લોકોને લોકડાઉન માટે સમજાવી રહ્યા છે.

જુનાગઢ ઉપરાંત અન્ય વિસ્તારોની પણ એસપી સૌરભસિંઘે મુલાકાત લઇ સંપૂર્ણ લોકડાઉન રહે તે માટેની કવાયત કરી હતી.

(1:15 pm IST)