Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

સલાયા ગામ ૬૫ ટકા હોમ કવોરેન્ટાઈનઃ ૪ વહાણના ૫૪ ખલાસી દરિયામાં જ !

દેવભૂમિ જીલ્લાના સાતેય શંકાસ્પદ કેસનો નેગેટીવ રિપોર્ટઃ કુલ ૧૮૩ લોકો જીલ્લામાં ઘરમાં જ

ખંભાળીયા, તા. ૨૫ :. ભાણવડ, નગડીયા, ઓખા, ખંભાળીયા સહિતના જુદા જુદા વિસ્તારોમાંથી કુલ સાત કેસો શંકાસ્પદ પકડાયા હતા. જેના કોરોના સંદર્ભમાં ખંભાળિયા હોસ્પીટલમાં સારવાર આપીને તેને રીપોર્ટ માટે જામનગર મોકલાયા હતા તે તમામ સાતેય કેસોના કોરોના રીપોર્ટ નેગેટીવ નિકળ્યાનું આરોગ્ય અધિકારી શ્રી પટેલે જણાવ્યુ હતું.

જિલ્લામા હાલ ૧૮૩ હોમ કવોરેન્ટાઈન રખાયા છે. તેમાથી ૬૫ ટકા એકલા સલાયામાં જ હોવાનું બહાર આવતા ગઈકાલે જિલ્લા કલેકટરશ્રી ડો. નરેશકુમાર મીના, જિ.પો. વડા રોહન આનંદ, ડીડીઓ શ્રી જાડેજા તથા આરોગ્ય અધિકારી શ્રી પટેલ સંયુકત રીતે સલાયાની મુલાકાત લીધી હતી તથા બે હોમ હોમ કવોરેન્ટાઈન થયેલા લોકોના ઘેર મુલાકાત લઈને ઘરની બહાર બોર્ડ તથા તેના હાથ પરના સિક્કા તથા તેની હાજરીનું ચેકીંગ કર્યુ હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ વિદેશથી લોકો સલાયામાં આવતા હોય અહીં ખાસ ચેકીંગ અને તપાસની વ્યવસ્થા કરવામાં આવી છે તથા ડોર ટુ ડોર ટીમો પણ મોકલીને વિગતો એકઠી કરાય રહી છે તથા સાફ સફાઈ, દવા છંટકાવ માટે તંત્રને સૂચના અપાઈ છે.

દેવભૂમિ જિલ્લામાં સમગ્ર રાજયમાં પ્રથમ વખત દરિયામાંજ વિદેશથી આવતા વહાણોને ૧૪ દિવસ માટે રોકીને દરિયામાંજ તેમને કવોરેન્ટાઇન કરવાનું તંત્ર એ નકકી કર્યું તથા જિલ્લા કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીના તથા જિ. પો. વડાશ્રી રોહન આનંદ દ્વારા આ વ્યવસ્થા ગઇકાલથી જ શરૂ કરવામાં આવી છે.

ગઇસકાલે ચાર કાર્ગો વહાણો જે યુ.એ.ઇ.ના દેશોમાં ગયેલા તે પ૪ ખલાસીઓ સાથે પરત આવતા સલાયાથી દૂર ૧૦ કિ.મી. દરિયામાંજ લંગટ નાખનીે આ ચારેય વહાણોને ત્યાંજ રાખીને પ૪ વ્યકિતઓ તેમાં હતા તેમને ત્યાંજ રખાયા છે. રોજ તેમનું ચેકીંગ થશે તથા તેમને જીવન જરૂરી ચીજો પણ ત્યાંજ બોટથી મળે તેવી વ્યવસ્થા કરાઇ છે.

હજુ ૧પ૦૦ વ્યકિતઓ આવનાર છે

સલાયાના ર૦૦ ઉપરાંત કાર્ગો વહાણો જે વિશ્વના અન્ય દેશોમાં ગયેલા છે તે પરત આવવાના શરૂ થયા છે કુલ ર૦૦ જેટલા વહાણો આવવાના બાકી છે જેમાંથી ચાર ગઇકાલે આવ્યા હતાં હજુ ૧પ૦૦ જેટલા વ્યકિત આવનાર હોય તંત્ર દ્વારા સમગ્ર ધ્યાન સલાયા પરજ કેન્દ્રીત કરાયું છે.

(12:05 pm IST)