Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

વાંકાનેરમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાય તમામ ધંધાઓ ઉપર લોકડાઉનનો પ્રભાવ

 વાંકાનેર, તા.૨૫: વાંકાનેરમાં સંપૂર્ણપણે બજારો જડબેસલાક બંધ જોવા મળે છે. આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય તમામ ધંધાઓ પર લોકડાઉનનો પ્રભાવ જોવા મળી રહ્યો છે.

વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરભરમાં નાના ફાયર મારફતે દવાનો છંટકાવ થઇ રહ્યો છે. ગઇકાલે વાંકાનેર શહેર પોલીસ અધિકારી પી.આઇ.રાઠોડ, મહિલા પી.એસ.આઇ. મોલીયાની આગેવાનીમાં પોલીસ સ્ટાફ સાથે શહેરભરમાં ૧૪૪ની કલમનો અમલ કરાયો હતો. જેના ભંગ બદલ પાંચ જેટલા લારી-ગલ્લા પાનના ધંધાર્થીઓ સામે કેસ દાખલ કરેલ અને જાહેરનામાનો ભંગ કરતા ઇસમોને કડક સુચના આપી. મોરબી જીલ્લા કલેકટરના આદેશનું કડક પાલન કરવામાં આવેલ. જયારે આજે પણ બહારથી આવતા વાહનોને રોકી દેવામાં આવેલ. માત્ર શહેરના લોકો જ આવશ્યક સેવા જેવી કે દૂધ, શાકભાજી, કરીયાણા, મેડિકલ ધંધાર્થીઓ ખુલ્લા જોવા મળે છે જયારે બાકીના ધંધા રોજગાર, કારખાનાઓ ઠપ્પ થયા છે. પરપ્રાંતથી આવેલા મજૂરોની સ્થિતિ નાજુક જોવા મળે છે. કારણ કે રોજી રોટી વગર આ લોકો દયનીય સ્થિતિમાં આવી ગયાનું જણાઇ આવે છે. દરરોજ કમાઇ ગુજરાન ચલાવતા ગરીબો-મજુરોની સ્થિતિ લોકડાઉનમાં ગંભીર જોવા મળે છે.

(11:49 am IST)