Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કોરોનાને રોકવા કચ્છના મુસ્લિમ સમાજનો નિર્ણય મસ્જિદમાં માત્ર ત્રણ લોકો જ નમાજ પઢશે

 ભુજ તા. રપઃ કોરોનાને રોકવા માટે સરકાર જયારે મક્કમતા પૂર્વક આગળ વધી રહી છે ત્યારે વિવિધ સમાજ પણ જાગૃતિ સાથે આગળ આવી રહ્યા છે. આઇજી સુભાષ ત્રિવેદી અને ડીએસપી સૌરભ તોલંબિયા સાથે કચ્છના મુસ્લિમ આગેવાનોની બેઠક યોજાઇ હતી. જેમાં કોરોના સંદર્ભે જાહેરનામાનો અમલ કરવા અંતર્ગત નમાજ અદા કરવા અંગે ચર્ચા કરી જનહિત માટે મહત્વનો નિર્ણય લેવાયો હતો.

અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ હાજી ઇબ્રાહિમ હાલેપૌત્રાએ 'અકિલા'ને જણાવ્યું હતું કે, કચ્છની તમામ મસ્જિદમાં હવેથી માત્ર ૩ લોકો જ નમાઝ અદા કરશે. પાંચ વખત લાઉડસ્પીકરમાં સમયસર આઝાન થશે. પરંતુ ધારા ૧૪૪ના જાહેરનામાના પાલન માટે મસ્જિદના ઇમામ સાથે ર મુકતદી એમ કુલ ત્રણ જણા જ મસ્જિદની અંદર નમાજ અદા કરી શકશે. જો તેનાથી વધુ માણસો ભેગા થશે તો પોલીસ ૧૪૪ મી કલમ લગાડશે જેની જવાબદારી આ કાયદાનો ભંગ કરનારની વ્યકિતગત રહેશે.  આ નિયમ કચ્છના તમામ મસ્લક અને મસ્જિદોને લાગુ પડશે જાહેરનામાના અમલ સુધી જુમ્મા સહિતની નમાજ સૌ પોતાને ઘેરથી અદા કરશે. આ સંદર્ભે મુફતીએ કચ્છ હાજી અહેમદશા બાવાએ પણ આ નિયઇમનું પાનલ કરવા કચ્છના મુસ્લિમ સમાજને જાહેર અપીલ કરી છે. આ બેઠકમાં મુસ્લિમ સમાજના અન્ય આગેવાનો પણ જોડાયા હતા.

(11:44 am IST)