Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

સણોસરામાં પોલીસ આવતાં ગામને પાદરે બેઠેલા લોકો ભાગ્યાઃ આધેડ વિજયભાઇ વાળંદનું હાર્ટએટેકથી મોત

પોલીસનો ઇરાદો કોઇને ગભરાવી મુકવાનો નથી હોતો, જાતે જ લોકડાઉનનું પાલન કરો તો કોઇ તકલીફ નહિ રહે: ગભરાઇને ભાગ્યા ને પડી ગયાઃ કુવાડવા આરોગ્ય કેન્દ્રમાં મૃતદેહ જ પહોંચ્યોઃ ૭ સંતાનોએ પિતાનું છત્ર ગુમાવતાં અરેરાટી : માત્ર દસ-બાર ડાઘુઓએ સ્મશાન યાત્રામાં જોડાઇ અંતિમવિધી આટોપી લોકડાઉનનું પાલન કરવા સરપંચ યુનુસભાઇ સેરસીયાની અપિલ

રાજકોટ તા. ૨૫: ગઇકાલે સાંજે આઠ વાગ્યે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્ર જોગ સંદેશો પાઠવી ૨૧ દિવસ સુધી સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કર્યુ હતું. એ પહેલા પણ રાજ્ય સરકારે લોકડાઉન જાહેર કરેલુ જ હતું. આમ છતાં તેનું કડક પાલન ન થતું હોઇ પોલીસ તંત્રને બહાર નીકળવું પડે છે. કુવાડવાના સણોસરામાં આ કાર્યવાહી વચ્ચે એક શોકમય ઘટના ઘટી ગઇ હતી. સાંજે સાડા પાંચેક વાગ્યે પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં નીકળ્યો ત્યારે સણોસરા ગામના પાંદરે ચાર-પાંચ ગામલોકો બેઠા હોઇ પોલીસને જોઇને ગભરાઇને દોટ મુકી ભાગ્યા હતાં. આ વખતે દોડતા-દોડતાં વાળંદ આધેડ વિજયભાઇ ધીરૂભાઇ માંડવીયા (ઉ.વ.૪૫) પડી જતાં બેભાન થઇ ગયા હતાં. તેમને કુવાડવા આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કર્યા હતાં. હૃદય બેસી જવાથી તેમનું મોત નિપજતાં પરિવાર અને ગ્રામજનોમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્યા મુજબ સણોસરા મેઇન બજાર પાસે રહેતાં અને ગામમાં જ બાલદાઢીનું કામ કરી ગુજરાન ચલાવતાં વિજયભાઇ માંડવીયા નામના વાળંદ આધેડ તથા બીજા ત્રણ-ચાર લોકો સાંજે ગામના પાદરે બેઠા હતાં ત્યારે અચાનક પોલીસ પેટ્રોલીંગમાં આવતાં આ લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. વિજયભાઇ પણ ગભરાઇને દોટ મુકી ભાગ્યા હતાં. પરંતુ ભાગતી વખતે પડી જતાં બેભાન થઇ ગયા હતાં. બનાવની જાણ થતાં લોકો ભેગા થઇ ગયા હતાં. સણોસરા આરોગ્ય કેન્દ્રમાં અને ત્યાંથી વધુ સારવાર માટે કુવાડવા આરોગ્ય કેન્દ્રમાં તેમને લઇ જવાયા હતાં. પરંતુ ડોકટરે તેમને નિષ્પ્રાણ જાહેર કરતાં શોક છવાઇ ગયો હતો.

કુવાડવા પોલીસ મથકના પીઆઇ એમ. સી. વાળા, હિતેષભાઇ ગઢવી, હરેશભાઇ સહિતે એ.ડી. નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર વિજયભાઇ બે ભાઇમાં મોટા અને વૃધ્ધ પિતા, નાના ભાઇ, પત્નિ, છ પુત્રી, એક પુત્ર સહિતના સ્વજનોનો આધાર સ્તંભ હતાં. તેના નાના ભાઇ અપરિણીત છે.  મૃત્યુ હાર્ટએટેકથી થયાનું બહાર આવ્યું હતું.

ગામના સરપંચ યુનુસભાઇ સેરસીયાએ જણાવ્યું હતું કે ગ્રામજનોએ લોકડાઉનનું કડક પાલન કરવું જરૂરી છે. વિજયભાઇની સ્મશાન યાત્રામાં માત્ર દસ-બાર લોકો જ જોડાયા હતાં અને ઝડપથી અંતિમવિધી આટોપી લેવામાં આવી હતી. સાત માસુમ સંતાનોએ આ ઘટનામાં પિતાની છત્રછાંયા ગુમાવી હોઇ સ્વજનોમાં શોક છવાઇ ગયો છે.

(12:56 pm IST)
  • મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાની જાહેરાત અમદાવાદમાં સુપર માર્કેટો આવતી કાલથી હોમ ડિલીવરી કરશે : મ્યુ.કમિ. વિજય નેહરાની જાહેરાત અમદાવાદમાં આવતીકાલથી બીગ બઝાર, રીલાયન્સ રીટેઈલ અને બીજા સુપર માર્કેટોએ જીવન જરૃરી ચીજોની મોટાપાયે હોમડિલીવરી શરૃ કરવા સહમત થયા છે access_time 5:34 pm IST

  • ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈનો પ્રજાજોગ સંદેશ : 21 દિવસના લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરજો : ખાસ કામ સિવાય ઘરની બહાર નીકળશો નહીં : દૂધ, દવા, શાકભાજી, અનાજ કરીયાણું, સહિતની ચીજ વસ્તુઓનો પૂરતો સ્ટોક છે : જે પ્રજાને મળી રહે તેવું નેટવર્ક ગોઠવાઈ ગયું છે : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની અપીલને માન આપજો : ચીજ વસ્તુઓનો બિનજરૂરી સંગ્રહ કરશો નહીં : ગુજરાત સરકાર દ્વારા લોકોને પૂરતો સહયોગ મળતો રહેશે : પ્રજાને મુખ્યમંત્રીની ધરપત access_time 11:07 am IST

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્રકાર પરિસદ : લોકડાઉન દરમિયાન જીવન જરૂરી ચીજોની કોઈ તંગી નહીં વર્તાય : દૂધ ,દવા ,શાકભાજી ,તથા કરિયાણાની દુકાનો માટે પાસની જરૂર નથી : આ વસ્તુઓ વિક્રેતા સુધી પહોંચાડવા માટે પાસ અપાશે : 1031 ઉપર કોલ કરવાથી ઇ -પાસ મેળવી શકાશે access_time 8:31 pm IST