Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

વાડીનારમાં પોલીસ પર પથ્થરમારોઃ જીપના કાચ ફોડયા

કલમ ૧૪૪ના ભંગ અંગે ખંભાળીયા તાલુકામાં લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના

ખંભાળીયા તા. રપઃ તાલુકાના વાડીનાર ગામે જાહેરમાં મચ્છી વેંચતી કેટલીક મહિલાઓને પોલીસે જાહેરનામું હોય ચારથી વધુ વ્યકિત ભેગા થવાની ના છે તેમ કહેતા આ મહિલાઓ તથા તેમની સાથેના કેટલાક શખ્સોએ ઉશ્કેરાઇને ટોળા ભેગા થઇને પોલીસ પર હુમલો કરીને પથ્થરો મારી પો. આઇ. ચાવડા, કોન્સ. તથા એસઆરડીના જવાનોને ઇજા કરી હતી તથા પોલીસની જીપના કાચ પણ તોડી નાખ્યા હતા.

બનાવ અંગે વાડીનાર પોલીસ જમાદાર હસમુખ હીરાભાઇ પાટગીએ પોલીસમાં જુલેખા ગની ભગાડ, અનીશ લતીફ સંઘાર, અકમબર મામદ ભગાડ, બીલાલ કાસમ સુંતલીયા, રજાક ઉંમર સંઘાર, અસલમ અકબર સંઘાર, ગની મામદ સંઘાર, હારૂન અવ્યાય સંઘાર તથા અજાણ્યા શખ્સો સામે પોલીસમાં ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૧૮૮, ૧૮૬, ૩ર૩, ૩૩ર, ૩૩૭, ૩૪ર, ૪ર૭, પ૦૪ તથા ૧૩પ(૧) મુજબ ફરીયાદ કરી છે.

જિલ્લામાંથી પોલીસ દોડયા

ખંભાળિયાની એલ.સી.પી. એસ.ઓ.જી. તથા ખંભાળિયા અને અન્ય વિસ્તારની ૬ થી ૭ પોલીસની જીપો હથિયારો સાથે વાડીનાર દોડી ગયા હતા તથા ત્યાં ફુટ પેટ્રોલીંગ કર્યું હતું તથા ટોળાને વિખેર્યા હતા.

પોલીસની સ્થિતિ કફોડી થયેલી

વાડીનારમાં અકબરી ચોકમાં થયેલા આ બનાવમાં પોલીસની સ્થિતિ વિકટ થઇ હતી. ચાર-પાંચ પોલીસ કોન્સ્ટેબલ જમાદાર સાથેની જીપ આવેલી તેમાં આ ઘટના બનતાની સાથે જ પોલીસની ચારે તરફ લોકોન ટોળા ભેગા થઇ ગયા હતા તથા ઝપાઝપી થઇ હતી તથા પોલીસ સાથે ધકકાવાળી પણ થઇ હતી. એક સમયે પોલીસની કફોડી સ્થિતી થઇ હતી. પાંચ સાત પોલીસ સ્ટાફ સામે ૧૦૦ જેટલા રહીશો સ્થાનિકો ભેગા થઇ ગયા હતાં. ટોળા દ્વારા દેકારો - રાડો નાખીને પોલીસને દબાવવા પ્રયાસ કરતા એક તબકકે પોલીસ જીપ પર ચડી ગયા હતાં.

જિ. પો. વડા શ્રી રોહન આનંદે જણાવેલ કે આ અંગે તુરત પગલા લેવાયા છે તથા આ બનાવમાં જવાબદાર લોકોને પકડવા કાર્યવાહી કરાઇ છે તથા ચુસ્ત બંદોબસ્ત સાથે પોલીસ ટૂકડીઓ બંદોબસ્તમાં રખાઇ છે.

(11:43 am IST)