Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

જુનાગઢ કોર્પોરેશનના બજેટ માટેના જનરલ બોર્ડમાં ગ્રાન્ટ મુદ્દે સ્ટેન્ડીંગ ચેરમેન અને મહિલા કોર્પોરેટર વચ્ચે બબાલ

જુનાગઢ તા. ૧૩: જુનાગઢ મનપાના બજેટ માટે આજે બપોરે મળેલા જનરલ બોર્ડમાં બબાલ થઇ હતી અને ગ્રાન્ટ ફાળવણીના મુદ્દે સ્ટેન્ડીંગ ચેરમેન અને મહિલા કોર્પોરેટર વચ્ચે તુ તુ મે મે થયું હતું.

જુનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આજે બપોરના યોજાયુ છે. આગામી વર્ષના અંદાજપત્ર માટે મળેલા જનરલ બોર્ડમાં મેયર ધીરૂભાઇ ગોહેલ, કમિશ્નર તુષાર સુમેરા સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.

જનરલ બોર્ડની પ્રથમ બેઠકમાં બબાલ થઇ હતી અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન રાકેશભાઇ ધુલેશીયા અને કોંગ્રેસના મહિલા નગર સેવક મંજુલાબેન પરસાણા વચ્ચે તુ તુ મે મે થયું હતું.

ગ્રાન્ટ ફાળવણી કરવામાં અન્યાય કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરીને મંજુલાબેન સ્ટેન્ડીંગ ચેરમેન શ્રી ધુલેશીયા પાસે ધસી ગયા હતા અને આ દરમ્યાન બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. સ્ટેન્ડીંગ ચેરમેન શ્રી ધુલેશીયાએ તુકારો કરવાની મનાઇ કરી હતી.

જનરલ બોર્ડની બેઠકમાં મહિલા નગર સેવક મંજુલાબેન પરસાણાએ સ્ટેન્ડીંગ ચેરમેનના રાજીનામાની પણ માંગણી કરી હતી.

જનરલ બોર્ડ બાદ બજેટ બેઠક શરૂ થઇ હતી.

(3:58 pm IST)