Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

ખંભાળિયા કોર્ટમાં પોકસોના આરોપીનો આપઘાતનો પ્રયાસ

કેદી પાર્ટી કબ્જો મેળવે એ પહેલાં ગળે-હાથમાં કાપા માર્યા

ખંભાળિયા તા. ૧૩: ખંભાળિયાની સ્પે. પોકસો કોર્ટમાં મુદતે આવેલા દ્વારકાના પોકસો કેસના આરોપીએ કેદી પાર્ટી કબ્જો સંભાળે એ પહેલાં જ પોતા પાસે રહેલી બ્લેડથી ગળા અને હાથના ભાગે છરકા મારી આપઘાતનો પ્રયાસ કરતાં કોર્ટ સંકૂલમાં દોડધામ મચી જવા પામી હતી. આરોપીને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે તાત્કાલીક જામનગર સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

વિગત મુજબ દ્વારકાની સગીરા પર દુષ્કર્મના કેસમાં એક વર્ષથી જામનગર જેલમાં સજા કાપી રહેલાં મલરાજા ઉર્ફે ડેપો હજાણી તથા તેનો સાથીદાર બંન્ને ગઇકાલે ખંભાળિયા કોર્ટની મુદતે આવેલાં હોય ત્યારે કોર્ટમાં સામાપક્ષની ઝુબાની લેવામાં આવી હતી જે ઝૂબાની બાદ બહાર નિકળી કેદી પાર્ટી કબ્જો સંભાળે એ પહેલાં જ મલરાજે પોતાના હાથમાં રહેલી બ્લેડ વડે ગળા તથા હાથના ભાગે છરકા મારી આપઘાતનો પ્રયાસ કરતાં કેદી પાર્ટીનો સ્ટાફ દોડી જઇ શખ્સને તાત્કાલીક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે સાંજના સમયે કોર્ટ સંકુલમાં દોડધામ મચી જવા પામી હતી.

આરોપી પાસે બ્લેડ કયારે અને કયાંથી આવી તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

(1:00 pm IST)