Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

જુનાગઢમાં તમંચા સાથે દોસ્ત મહમદ મકરાણી ઝડપાયો

જૂનાગઢ તા. ૧૩ : જૂનાગઢના એક શખ્સને એસઓજીના કાફલાએ હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડયો હોવાનું જાણવા મળેલ છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર અને પોલીસ અધિક્ષક સૌરભ સિંધની સુચનાથી એસઓજીના એન.બી.બારોટ તથા પીએસઆઈ જે.એમ.વાળા સ્ટાફ સાથે જૂનાગઢમાં ગત રાત્રે પેટ્રોલીંગમાં હતા.

જયારે જૂનાગઢમાં નરસિંહ મહેતા ચોરા પાસે રહેતો દોસ્ત મહમદ ઉર્ફે શાહરૂખ રફીકભાઈ મકરાણી (ઉ.વ.ર૪) નામનો શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. એસઓજીના કાફલાએ આ શખ્સની તલાસી લેતા તેની પાસેથી દેશી હાથ બનાવટનો રૂ. ૨૦૦૦ની કિંમતનો પરવાના વગરનો તમંચો મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી.

એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આ શખ્સ વિરૂધ્ધ હથિયાર ધારા મુજબનો ગુનો દાખલ કરાવી એસઓજીએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:57 pm IST)