Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

જુનાગઢમાં એક પ્લોટનું ૨ વખત વેચાણ કરીને પૈસા પડાવતા ૫ શખ્સોની ધરપકડ

એસઓજી પોલીસ ટીમને સફળતા

જુનાગઢ તા.૧૩ : એક પ્લોટનું બે વાર વેંચાણ કરી અને સાટાખત કરાવીને પૈસા પડાવતા પાંચ શખ્સોની જૂનાગઢ એસઓજીએ ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.

જૂનાગઢ એ-ડીવીઝન અને સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છેતરપીંડીની ફરીયાદના આરોપીઓને પકડી પાડવા ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી સૌરભ સિંઘે સુચના જારી કરી હતી. જેના પગલે એસઓજીના પીઆઈ એન.બી.બારોટ અને પીએસઆઈ જે.એમ.વાળા સહિતના પોલીસ સ્ટાફે તપાસ હાથ ધરી હતી.

આ દરમ્યાન એસઓજીના સ્ટાફે જૂનાગઢના વાડલા ફાટક પાસે રહેતા ભરત સાજણભાઈ ગરચર, ટીંબાવાડીના લક્ષ્મીદાસ ઉફે લખનબાપુ રામકૃષ્ણદાસ દેવમુરારી તથા વેરાવળના હરેશ રણછોડભાઈ સોનારીયા, પરેશ રમેશભાઈ સોનારીયા અને ખલીલપુર ગામના જેઠાભાઈ થોભણભાઈ કટારાની ધરપક કરી હતી.

આ શખ્સોએ પોલીસ પુછપરછમાં પહેલા વિશ્વાસ અપાવી પાછળથી દબાવી ધમકાવી અને પૈસા પડાવી એક જ પ્લોટનું બે વાર વેંચાણ કરી સાટાખત કરાવી છેતરપીંડી અને વિશ્વાસઘાત આચર્યો હોવાની કબુલાત આપી હતી.

પકડાયેલા શખ્સોમાં ભરત ગરચર અને લક્ષ્મીદાસ દેવમુરારીન એસઓજીએ ન્યાય હિરાસતમાં લીધા છે. આ આરોપીઓ કેે અન્ય કોઈ શખ્સો આ રીતે જૂનાગઢ જિલ્લામાં કોઈપણ પ્લોટ કે જમીન મકાનનું સાટાખત કરાવવાનું કહી પછી ડરાવી, ધમકાવી સાટાખત ર૬ કરાવવા માટે પૈસા પડાવવાનો કે બળજબરીથી વધુ વ્યાજદરે પૈસા વસુલ કરવાનો કોઈપણ લોકો સાથે બનાવ બનેલ હોય કે અન્ય કોઈ પણ રીતે મિલકત પચાવી પાડી હોય તો તે અંગે કોઈપણ જાતનો ડર રાખ્યા વગર જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી અથવા એસઓજી શાખાનો ફોન નં.૦૨૮૫ (૨૬૩૫૧૦૧) અથવા પોલીસ કંટ્રોલરૂમનો નંબર (૦૨૮૫) ૨૯૩૦૯૦૩ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. જાણ કરનારને તમામ પ્રકારની સુરક્ષા આપવામાં આવશે.

(12:57 pm IST)