Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

નાબાર્ડ પુરસ્કાર-ર૦ર૦નો પ્રથમ પુરસ્કાર મેળવતી જસદણના સાણથલી જુથ સેવા સહકારી મંડળી

જસદણ તા. ૧૩ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, કૃષિ મંત્રી આર.સી.ફળદુ, સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ, રિઝર્વ બેંકના સીઇઓ મિ.પાણીગ્રહી તથા નાબાર્ડના સી.જી.એમ. શ્રી મિશ્રાની ઉપસ્થિતિમાં નાબાર્ડ પુરસ્કાર-ર૦ર૦ વિતરણ કાર્યક્રમ સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગરમાં નર્મદા હોલમાં યોજવામાં આવ્યો હતો.

નાબાર્ડ દ્વારા દર વર્ષે રાજ્યની વિવિધ સહકારી બેન્કો, શરાફી સહકારી મંડળીઓ અને પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓને ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવે છે. જેમાં રાજ્ય ભરની સહકારી બેન્કો શરાફી મંડળીઓ અને પ્રાથમીક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓ પાસેથી તેમની વિવિધ કામગીરીની વિગતો મંગાવવામાં આવે છે. તેમાંથી પસંદ કરી રાજ્ય કક્ષાનો પ્રથમ અને દ્વિતીય પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.

નાબાર્ડ પુરસ્કાર-ર૦ર૦ પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓમાં રાજકોટ જિલ્લાની જસદણ તાલુકાની શ્રી સાણથલી જુથ સેવા સહકારી મંડળી લિ.સાણથલીને એનાયત કરવામાં આવ્યો હતો.

શ્રી સાણથલી જુથ સેવા સહકારી મંડળી લિ.સાણથલીના ચેરમેન અને સંનિષ્ઠ સહકારી કાર્યકર અરવિંદભાઇ તાગડીયાની આગેવાનીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે. આ મંડળીમાં ૩પ વર્ષોથી બિનહરીફ ચુંટાઇ આવે છે અને મંડળીમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે. જેઓ ગુજરાત રાજય સહકારી સંઘ, અમદાવાદમાં માનદમંત્રી તરીકે, શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ.બેન્કમાં ડિરેકટર તરીકે જસદણ એપીએમસીમાં ચરમેન તરીકે સેવાઓ આપી રહ્યા છે. રાષ્ટ્રિય કક્ષાની સહકારી સંસ્થાઓમાં ઇફકો અને નાફેડના ડેલિગેટ તરીકે કાર્યરત છે.

નાબાર્ડ પુરસ્કાર-ર૦ર૦ શ્રી સાણથલી જુથ સેવા સહકારી મંડળી લિ.ને મળતા ગુજરાતનું અને રાજકોટ જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે.

શ્રી સાણથલી જુથ સેવા સહકારી મંડળી લિ. નાબાર્ડ પુરસ્કાર-ર૦ર૦ મળતા અરવિંદભાઇ તાગડિયાને રાજકોટ જિલ્લા બેન્કના ચેરમેન જયેશભાઇ રાદડિયા, મંત્રી શ્રી ગુજરાત રાજય કુંવરજીભાઇ બાવળીયા, ગુજરાત રાજય સહકારી સંઘના અધ્યક્ષ ઘનશ્યામભાઇ અમીન, રાજય સંઘના હોદ્દેારો તથા રાજકોટ જિલ્લાના તમામ સહકારી કાર્યકારો અને વિંછીયા એપીએસમીના ચેરમેન કડવાભાઇ તથા જસદણ તાલુકા સંઘના પ્રમુખ કાળુભાઇએ અભિનંદન પાઠવ્યા હતા.

(11:47 am IST)