Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

લાઠીના બે વર્ષના ગંભીર બીમારીથી પીડીત બાળકનું અમદાવાદ સિવિલમાં સફળ ઓપરેશન

ખાનગી હોસ્પિટલમાં રૂ.દોઢ લાખમાં થતી સારવાર વિનામૂલ્યે કરાઇ

અમરેલી,તા.૧૩: લાઠીના માલવિયા પીપરીયા ગામે બે વર્ષનો માનવ આંત્ર એક બીજામાં ગૂંથાઈ જવાની ગંભીર બીમારીથી પીડાતો હતો. જો સારવારમાં મોડું થાય તો બીમારી જીવલેણ સાબિત થઇ શકે તેમ હતી પરંતુ  જિલ્લા આરોગ્ય તંત્ર તરફથી તાત્કાલિક મદદ મળતા માનવને માત્ર ૪૮ કલાકમાં અમદાવાદ સિવિલ પહોંચાડી સફળ ઓપરેશન કરવાં આવ્યું હતું.

લાઠી તાલુકા આરોગ્ય કચેરીના ડો. હરિવદન પરમારે જણાવ્યું હતું કે માનવને ઘણા દિવસોથી સતત પેટમાં દુખાવો અને વારંવાર ઉલટીઓ થતી હતી. માતા નીતાબેને અને પિતા નરેશભાઇએ તુરંત જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી. આ કેસની જાણ મને થતા કોઈ ગંભીર રોગની શંકા જણાઈ. સોનોગ્રાફી કરાવી ચકાસ્યું તો જાણવા મળ્યું કે માનવ આંત્ર એક બીજામાં ગૂંથાઈ જવાની ગંભીર બીમારીથી પીડાય છે. રોગની ગંભીરતા સમજી મેં તાત્કાલિક સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવાર માટે લઈ જવાની સલાહ આપી. એમના દ્યરની આર્થિક પરિસ્થિતિ ખુબ જ નબળી હોવાથી એમને શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મળતી સહાય અંગે બાળકના માતાપિતાને માર્ગદર્શન આપ્યું અને જિલ્લા કક્ષાએથી તાત્કાલિક મંજૂરી મેળવવા મદદ કરી.

વધુમાં ડો. પરમારે જણાવ્યું કે તાત્કાલિક મંજૂરી મળતા માતાપિતા બાળકને અમદાવાદ સિવિલ લઇ ગયા અને સર્જનોએ પેટ પર કોઈ મોટો ચીરો કર્યા વિના, આંત્ર કાપ્યા વિના કેમરા અને સોનોગ્રાફી મશીન સાથે જોડેલ અત્યાધુનિક સાધનો મળમાર્ગમાં દાખલ કરી ન્યૂમેટિક રિડકશન અંડર ફ્લોરોસ્કોપિક ગાઈડન્સ પદ્ઘતિથી આંત્રની સફળ સારવાર કરવામાં આવી. સારવાર બાદ માનવ એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત છે.

બાળકના માતાપિતા સાથે વાત કરતા એમણે કહ્યું હતું કે સરકારી દવાખાને બતાવતા પહેલા અમે માનવને ખાનગી હોસ્પિટલમાં બતાવ્યું હતું પરંતુ ડોકટરોએ પેટ ચીરીને આંત્ર કાપવું પડે એમ છે અને અંદાજે દોઢ લાખના ખર્ચની વ્યવસ્થા કરવા કહ્યું હતું. પરંતુ આ અંગે સ્થાનિક આશાબેનને જાણ કરતા એમણે નાની ઉંમરમાં ગંભીર ઓપરેશન જોખમ વિષે માહિતી આપી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મીઓ સાથે સંપર્ક સાધવા જણાવ્યું હતું. આરોગ્ય કેન્દ્રના કર્મીઓએ અને ડોકટરશ્રીએ માનવના રોગને પારખી તાત્કાલિક સારવારમાં મદદ કરી બદલ અમે સમગ્ર સ્ટાફના આભારી છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નવજાત શિશુથી લઈ ૬ વર્ષ સુધીના આંગણવાડી માં નોંધાયેલ બાળકો, ધો. ૧ થી ધો. ૧૨ સુધીના સરકારી, ખાનગી શાળાના વિદ્યાર્થીઓ, મદરેસા જૂનાઇલ હોમ, અનાથાશ્રમમાં  રહેતા બાળકો અને શાળાએ ન જતાં ૧૮ વર્ષ સુધીના બાળકોની જન્મજાત ખામીઓ, ઊણપો, રોગો – વિકલાંગતાઓમાં વર્ગીકરણ કરી પ્રાથમિક તપાસથી લઈ સુપર સ્પેશ્યાલિટી સુધીની સંદર્ભસેવા દ્વારા વિના મૂલ્યે સારવાર, ચશ્મા વિતરણ, આરોગ્ય શિક્ષણ અને તરુણાવસ્થા અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.

આલેખન

સુમિત ગોહિલ

જિલ્લા માહિતી કચેરી

અમરેલી

 

(11:41 am IST)