Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

ભાણવડનો વિકાસ રોડ દોઢ વર્ષમાં હતો, ન હતો થયો

રોડ બનાવવામાં જેટલો સમય લાગ્યો એટલો સમય તો ટકયો પણ નહી : સીસીને બદલે ડામર રોડ બનાવ્યો અને ચીથરે હાલ થતાં વેપારીઓ લાલઘુમ

ભાણવડ તા. ૧૩ : ભાણવડમાં આજથી દોઢ વર્ષ પુર્વે નગરપાલિકાની દેખરેખ હેઠળ વિકાસ રોડને ડામરથી મઢવામાં આવેલ પરંતુ જેમ અગાઉના રોડમાં બનતુ આવેલ છે તેમ આ રોડમાં પણ લોટ પાણીને લાકડા જેવું કામ એજન્સી દ્વારા કરવામાં આવેલ હોઈ ગેરેન્ટી પીરીયડમાં જ ધૂળધાણી થઈ જતાં આ રોડ પરના વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે અને ચિફ ઓફિસરને રજૂઆત કરીને તાત્કાલિક ઘટતું કરવા માંગ કરેલ છે.

વિકાસ રોડને સીસી રોડ બનાવવા માટે કોન્ટ્રાકટ આપ્યા બાદ રોડ બનાવવામાં ખાસ્સો સમય બરબાદ થયા બાદ મિલીભગતથી આશ્ચર્યજનક રીતે ડામર રોડ બનાવવાનું નકકી કરી કામ શરૂ કરવામાં આવેલ પરંતુ એકદમ મંથર ગતિએ અને વારંવાર પેટા કોન્ટ્રાકરો બદલતા રહેતા કેમેય કરીને કામ પુર્ણ થઈ રહયું ન હતુ આખરે આ રોડ પરના વેપારીઓએ કંટાળીને આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારતા રોડનું કામ પુર્ણ થયુ હતુ. આમ રોડ મજુર થયો ત્યારથી લઈને પુર્ણ થયો ત્યાં સુધીનો જેટલો સમય લાગ્યો એટલો સમય તો આ રોડ ટકયો પણ નહી..! અને દોઢ વર્ષમાં તો રોડના ચીથરે હાલ થઈ ગયા છે.

વેપારીઓએ કરેલી રજૂઆતમાં આ રોડ સતત વાહનોની અવરજવર અને ટ્રાફિકથી ધમધમતો હોઈ ધૂળની ડમરીઓ ઉડે છે અને દુકાનદારો માટે પોતાના ધંધા રોજગાર પર બેસવું મુશ્કેલ થઈ પડયુ છે. ધૂળની ડમરીઓને કારણે શ્વાસની બિમારીઓ તેમજ પથ રીની બિમારીઓ લાગુ પડી રહી છે અને આ વિસ્તારના વેપારીઓના સ્વાસ્થ જોખમાઈ રહયા હોઈ તાત્કાલીક ઘટતુ કરવા માંગ કરેલ છે. રોડના કામમાં વેઠ ઉતાર નાર સામે કડક કાર્યવાહી કરવા અને આ રોડને નવેસરથી સીસી રોડ બનાવવામાં આવે એ મુજબની માંગ કરેલ છે.

વેપારી એસો. દ્વારા આ રજુઆતની નકલ ઉચ્ચ સ્તરે પણ રવાના કરવામાં આવેલ છે અને આ પ્રશ્ને તાત્કાલીક કાર્યવાહી કરવામાં નહી આવે તો ફરીથી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારેલ છે.

(11:38 am IST)