Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

ચોટીલામાં સંચાલકની ધરપકડ : વિદ્યાર્થીઓના હિતમાં નવુ મેનેજમેન્ટ સંકુલ સંભાળશે

૭૦૦થી વધુ વિદ્યાર્થીઓનુ ભાવિ ન જોખમાય તે માટે તંત્ર દ્વારા વાલીઓ, ટ્રસ્ટીઓ, સ્ટાફ સાથે બેઠક

પ્રથમ તસ્વીરમાં જાતિય સતામણી કરનાર શાળા સંચાલક બટુક ભટ્ટી, બીજી - ત્રીજી અને ચોથી તસ્વીરમાં આવેદનપત્ર પાઠવતા આગેવાનો, કાર્યકરો તથા વાલીઓ નજરે પડે છે. (તસ્વીર : હેમલ શાહ, ચોટીલા)

ચોટીલા તા. ૧૩ : સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના થાનગઢ રોડ ઉપર આવેલ કમલ એકતા વિદ્યાલયના સંચાલક બટુક ભટ્ટીએ જાતીય સતામણી કરતા તેની સામે પોસ્કો સહિતની કલમ સાથે ગુન્હો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવ્યા બાદ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલા શાળા સંચાલક મામલે સગીરાના પરીવાર ની ફરીયાદ બાદ જીલ્લા એલસીબી એ આરોપી અને સંચાલક બટૂક ભટ્ટી ની ધરપકડ કરાતા ઉશ્કેરાયેલ સમાજ નો રોષ થાળે પડેલ છે. તેમજ લોકોનો રોષનાં ભોગે થયેલ તોડફોડ વાળા સ્થળોએ બંદોબસ્ત ગોઠવી સઘન પેટ્રોલીંગ સાથે યાત્રાધામની પરિસ્થિતિ ખાળવા માટે તમામ સ્તરે પગલા લેવામાં આવી રહ્યા છે.

સમગ્ર મામલે પ્રશાસનને ધ્યાનમાં આવેલ કે આરોપી સંચાલક બટુક ભટ્ટીને સ્કુલના ટ્રસ્ટ સાથે કંઇજ લેવા દેવા નથી તેણે આર્થિકતાને લઈને ટ્રસ્ટ બાયર કરી શિક્ષણનાં વેપલામાં ઝંપલાવ્યું હતુ અને માત્ર તેના એકનાં કાળા કરતુત અને આચરેલ કૃત્યને કારણે ૭૦૦ થી વધુ બાળકોનાં શૈક્ષણિક ભવિષ્ય ન બગડે તે દિશામાં તંત્ર એ કાર્યવાહી હાથ ધરેલ હતી.

જેના ભાગ રૂપે ગઈ કાલે વાલીઓ સાથે જીલ્લા કલેકટર કે. રાજેશ, એસ પી મહેન્દ્રકુમાર બગડીયા, શિક્ષણ અધિકારી હિતેશ ચોધરી ચોધરી, પ્રાત અધિકારી, આર બી અંગારી, મામલતદાર પી એલ ગોઠી સહિતના વિભાગનાં અધિકારીઓએ બેઠક યોજેલ જેમા શિક્ષણ કે શિક્ષકોઙ્ગ સામે કોઇ ફરીયાદ ન હોવાનું જણાવી સલામતી સાથે શાળા શરૂ કરાય તો બાળકોને શાળાએ મોકલવા અને વર્ષ ન બગડે તે માટે તૈયારી દાખવેલ હતી જેથી મુખ્ય ટ્રસ્ટીઓને શાળા સંચાલન સંભાળી સંકુલ શરૂ કરવા માટે તંત્રએ પ્રયાસ હાથ ધરેલ છે. અને ચાર પાચ દિવસમાં શાળા નવા સંચાલન સાથે પુર્વરત કરી દેવામાં આવશે અને બાળકોનાં ભવિષ્યને અસર નહી પડે તેવી ખાત્રી તંત્ર એ આપી છે.ઙ્ગ

સમગ્ર મામલે દલિત સમાજે કલેકટરને આવેદન પાઠવી ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી આરોપીને કડક સજા થાય તેવી માંગ કરેલ છે.ઙ્ગ

સમગ્ર મામલે ઘેરા પડઘા પડેલ છે જેમા ઉશ્કેરાયેલ ટોળાએ શાળા સંકુલ અને આરોપીના ઘરમાં તોડફોડ કરતા અરાજકતા ફેલાયેલ હતી હાલ શહેરમાં કોઇ સ્થિતિ વણશે નહી તે માટે જીલ્લા પોલીસે ચૂસ્ત બંદોબસ્ત સાથે પેટ્રોલીંગ ગોઠવી દિધેલ છે.(૨૧.૯)

(11:50 am IST)