Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના વિસ્તારમાં વન વિભાગ દ્વારા સાવજનું સતત મોનીટરીંગ

વઢવાણ,તા.૨: નાયબ વન સંરક્ષકશ્રી સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના વિસ્તારમાં તા.૧૭ ઓકટોબર-૨૦૧૯થી સાવજ મહેમાન બનીને આવેલ છે. આ દ્યટના પર વન વિભાગ દ્વારા સતત સાવજોનું જરૂરીયાત મુજબનું મોનીટરીંગ કરવામાં આવી રહયું છે. વન વિભાગને ધ્યાને આવેલ છે કે, કેટલાક લોકો આવા સંજોગોમાં જુનાગઢ વિસ્તારમાંથી ૪૫ સિંહોને બિમારીના કારણે આ વિસ્તારમાં મુકી ગયા છે એવી ખોટી અફવાઓ ફેલાવીને લોકોમાં ભય પેદા કરી રહયા છે. જે વાત તદન ખોટી અને પાયા વિહોણી છે ઉપરાંત ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ વિસ્તારના ન હોય તેવા સિંહના વિડીયોને સોશીયલ મિડીયામાં વાઈરલ કરી ગેરસમજ ઉભી કરી રહયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વન વિભાગે અગાઉથી આ વિસ્તારમાં બે સિંહોએ કુદરતી રીતે આગમન કરેલ છે. તેને સત્ત્।વાર સમર્થન જાહેર કરેલ છે. લોકો કોઈપણ પ્રકારની આવી ખોટી અફવાઓથી ગેરમાર્ગે ના દોરાય તે માટે વન વિભાગ દ્વારા જણાવાયું છે.

વધુમાં જણાવ્યા મુજબ તા.૧૭ ઓકટોબર-૨૦૧૯થી આજદિન સુધી ચોટીલાના તાલુકાના વિસ્તારમાં સિંહ નર પાઠડા-૨ એકદમ તંદુરસ્ત સ્થિતિમાં છે. તેમજ વન વિભાગના કર્મચારીઓ દિવસ અને રાત આ સિંહોનું મોનીટરીંગ કરી રહયા છે. અત્યાર સુધીમાં આ બે સિંહ દ્વારા પાંચ પાડી/ વાછરડીઓ, બે બકરા તથા એક નીલ ગાયના મારણ કરવામાં આવેલ છે. જે તેઓનો જરૂરીયાત મુજબનો ખોરાક મેળવી રહેલ છે તેમ બતાવે છે તેમજ સિંહોને આ વિસ્તારમાં પીવાના પાણીની પણ કોઈ પ્રકારની અસુવિધા નથી. વન વિભાગના નિષ્ણાંત ડોકટરની ટીમ દ્વારા સિંહના મળની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. વન વિભાગ દ્વારા હાલમાં સિંહોને રેડીયો કોલરીંગ કરવાની પ્રક્રિયા ચાલુ છે. જેથી અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી લોકેશન વિશે માહિતી મેળવી શકશે. તા.૨૯ ઓકટોબર-૨૦૧૯ના રોજ જુનાગઢ વન વર્તુળ, મુખ્ય વન સંરક્ષકશ્રી એસ. કે. શ્રીવાસ્તવે સિંહ પ્રભાવિત વિસ્તારની ફરીથી મુલાકાત લીધી અને લોકો સાથે વાર્તાલાપ કર્યો હતો. વન વિભાગના કર્મચારીઓ સિંહ પ્રભાવિત વિસ્તારના લોકો સાથે સતત સંપર્કમાં રહી જાગૃતિકરણની કામગીરી કરી રહયા છે. તા.૨૮ ઓકટોબર-૨૦૧૯ના રોજ રાત્રે રેશમિયા ગામમાં વન વિભાગ દ્વારા વનજાગૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગામલોકોને કોઈપણ પ્રકારનો ડર રાખવો નહી તેની સમજણ આપવામાં આવી હતી.

સિંહ પ્રભાવિત વિસ્તારોમાં જો ખેતરોમાં પાકરક્ષણ માટે કોઇ પ્રકારની તાર ફેન્સીંગમાં વિદ્યુત સપ્લાય કરેલ માલુમ પડશે અને અકસ્માતે કોઇપણ પ્રકારે સિંહને નુકશાન થશે તો કાયદેસરના પગલા ભરવામાં આવશે. આથી સિંહ પ્રભાવિત વિસ્તારના ગ્રામજનોને પાક રક્ષણ માટે તાર ફેન્સીંગમાં વિદ્યુત સપ્લાય ન કરવા માટે વનવિભાગ દ્વારા વિનંતી કરવામાં આવે છે. તેમજ માલઢોરના મારણ થાય તો સરકારશ્રીની યોજના મુજબ સત્વરે સહાય ચુકવવામાં આવશે તેમ વધુમાં જણાવાયું છે.

(12:55 pm IST)