Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

કુંકાવાવ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના ચાલુ કરવા રજુઆત

વડીયા તા.રઃ કુંકાવાવ તાલુકા પ્રાથમીક શિક્ષક સંઘ દ્વારા મામલતદારને આવેદન આપીને જુની પેન્શન યોજના ફરી શરૂ કરવા, નવી શિક્ષણ નિતીમાં પ્રાથમિક શિક્ષણને સુદૃઢીકરણ કરવા તથા અન્ય પ્રશ્નો બાબતે રજૂઆત કરી છે.

આવેદનપત્રમાં જણાવેલ છે કે શિક્ષણની સ્થિતિમાં સુધારો લાવવા, શિક્ષણના સારા પરિણામો મેળવવા વિગેરે બાબતો માટે સંગઠન રાજય-કેન્દ્ર સરકાર તરફ ધ્યાન આકર્ષિત કરવા માંગે છે કે વર્ષ ર૦૦૬ થી જુની પેન્શન યોજના ચાલુ કરવા વિવિધ સ્તરો પર આંદોલન ચલાવી રહ્યા છીએ અગાઉ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, સંશાધન વિકાસ મંત્રી વિગેરેને આવેદનપત્રો આપવામાં આવેલ છે. આ સંદર્ભે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા દરેક રાજયોના શિક્ષકોએ ભેગા થઇને પ ઓકટોબર ર૦૧૭ના રોજ દિલ્હી જંતર મંતર ખાતે એક દિવસના ધરણાં કાર્યક્રમ આપેલ હતો અને સરકારને જણાવેલ કે આ બાબતમાં કોઇ કાર્યવાહી નહીં થાય તો બધા રાજયોના શિક્ષકો નવા ઉત્સાહ અને એકજૂટતા સાથે ફરીથી આંદોલન-પ્રદર્શન કરશે. સરકારશ્રીના ઉદાસીન વલણને કારણે અ.ભા.પ્રા.શિ. સંઘને ફરીથી આંદોલનનો આશરો લેવા મજબૂર કર્યા છે. આ બાબતે અ.ભા.પ્રા.શિ. સંઘ દ્વારા જુદા જુદા સ્તરે તાલુકાથી લઇ રાષ્ટ્રિય લેવલ સુધી આંદોલનની રૂપરેખા તૈયાર કરી છે. આ આંદોલન ર૩ નવેમ્બર ર૦૧૯ થી શરૂ કરીને ર૭ ફેબ્રુઆરી ર૦ર૦ સુધી ચાલશે.

(12:13 pm IST)