Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

જૂનાગઢમાં સેવાસેતુ યોજયા! ૯૦૦ અરજીઓનો નિકાલ

મ્યુ.કોર્પોરેશન,જિલ્લા વહિવટીતંત્ર, જીલ્લા પંચાયતના સંયુકત ઉપક્રમે આયોજન

જૂનાગઢ તા.ર : રાજય સરકાર દ્વારા હાથ ધરાતી અનેકવિધ લોકઉપયોગી યોજનાઓ પ્રવૃતિઓ તથા વહીવટ પરત્વે પ્રજાજનોના પ્રશ્નોના ન્યાયીક ચોકકસ તથા ઝડપી ઉકેલ માટે રાજય વ્યાપી સેવાસેતુ કાર્યક્રમ પાંચમા તબકકાનો પ્રારંભ કરાયેલ છે. જે અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર, જિ.પં. તથા મનપા, જૂનાગઢના સંયુકત ઉપક્રમે શહેરના વોર્ડ નં.૧,૨,૩ ની જાહેર જનતા માટે સેવાસેતુ કાર્યક્રમ ગ્રામ ઉદ્યોગ વાડી, દોલતપરા, જૂનાગઢ ખાતે પ્રારંભ મા. મેયર ધીરૂભાઇ ગોહેલ, ડે.મેયર હિમાંશુભાઇ પંડયા, સ્થાયી ચેરમેન રાકેશભાઇ ધુલેશીયા, ડે.કમિ. એમ.કે.નંદાણીયા, શાસકપક્ષ નેતા નટુભાઇ પટોળીયા, કોર્પો. શોભનાબેન પીઠીયા,  લાભુબેન મોકરીયા, લીડ બેંક મેનેજર વઢવાણી સાહેબ, વાહન વ્યવહાર અધિકારી અતુલભાઇ મકવાણાની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ છે.

રાજય સરકાર દ્વારા પારદર્શક સંવેદનશીલ, વહીવટીતંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી રાજય સરકારના વિવિધ વિભાગો તથા મનપા તંત્ર દ્વારા અનેકવિધ યોજનાઓ, સહાયો જાહેર સેવાઓને લગતા પ્રશ્નો વગેરે બાબતે કુલ રર સ્ટોલ કાર્યરત કરવામાં આવેલ હતા. સરકારશ્રીના જૂદા જૂદા ૧૩ વિભાગોની ૫૭ યોજના હેઠળ લાભ આપવામાં આવેલ જેમાં આધારકાર્ડ નોંધણી, માં અમૃતમકાર્ડ નોંધણી, જન્મ મરણ નોંધણી, સખીમંડળ, જનધન યોજના, મામલતદાર કચેરી દ્વારા રેશનકાર્ડમાં નામ ફેરફાર, આવકના દાખલા, જાતીના દાખલા, જૂદી જૂદી બેંકો દ્વારા ખાતા ખોલવા, વિજળીકરણ, સ્વરોજગાર યોજના ગુજરાત એસટી નિગમ દ્વારા માસિક પાસ તથા ઓનલાઇન રીઝ. વગેરે બાબતોના સ્ટોલ કાર્યકરત કરાયેલ અને વ્યકિતલક્ષી રજૂઆત પણ ધ્યાને લઇ તેનો નિકાલ કરવામાં આવેલ તેમજ આ કાર્યક્રમ દરમિયાન શહેરીજનો દ્વારા જૂદા જૂદા વિભાગોની કુલ ૮૮૮ અરજી કરાયેલ જેમાંથી તમામ અરજીઓનો સ્થળ ઉપર જ હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં લાભાર્થીઓને લગ્ન નોંધણીનુ પ્રમાણપત્ર, જન્મનું પ્રમાણપત્ર તથા ગુમાસ્તા ધારા હેઠળ પ્રમાણપત્ર, આવકનો દાખલો, માં કાર્ડ, આધારકાર્ડ જેવી અનેક યોજનાઓનો લાભ સ્થળ ઉપર એનાયત કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં સેનીટેશન સુપ્રી.આર.એસ.ડાંગર, ઓફીસ સુપ્રી. જીજ્ઞેશભાઇ પરમાર, સ્ટોર કીપર ભરતભાઇ મુરબીયા, હાઉસ ટેકસ સુપ્રી ઉમેદસિંહ સોલંકી, શોપ ઇન્સ્પેકટર વિરલભાઇ જોશી તેમજ મનપાના અધિકારીઓ કર્મચારીઓ તેમજ રાજય સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓ અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(11:54 am IST)