Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

જામનગર જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની સવલત માટે સ્ટ્રેચર અર્પણ કરતા રાજયમંત્રી જાડેજા

મંત્રીશ્રી જાડેજાએ હોસ્પિટલમાં અપાતી સુવિધાઓની જાતમાહિતી પણ મેળવી

જામનગર જી.જી.હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા માટે સ્ટ્રેચર અર્પણ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કર્યા બાદ હોસ્પિટલના રસોડા તેમજ દર્દીઓને અપાતા ભોજન સહિતની સુવિધાઓની જાત માહિતી મેળવી હતી તે પ્રસંગની વિવિધ તસ્વીરો.(૪૫.૭)

 જામનગર તા.૨ : જામનગર જી.જી હોસ્પિટલ ખાતે આજરોજ અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે દર્દીઓની સુવિધાઓ વધારવાના હેતુથી સ્ટ્રેચર વિતરણ કરાયા હતા. આ સેવાકાર્ય શ્રીદેશદેવી આશાપુરા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી પૂર્ણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી સુભાષભાઈ જોશી, પૂર્વ મેયરશ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, દેશદેવી આશાપુરા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના હિતેન્દ્રસિંહ જાડેજા, કુલદીપ સિંહ ચુડાસમા, ક્રિપાલસિંહ વાળા, પરાગભાઈ શાહ તેમજ જગદીશ સિંહ જાડેજા(જે. ડી. જાડેજા) અને પ્રવિણસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

જી.જી.હોસ્પિટલના વિભાગોની સમીક્ષા મુલાકાતે જાડેજા

જામનગર : રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ગઇકાલે દર્દીઓની પરિસ્થિતિ અને તેમને મળતી આરોગ્યલક્ષી સુવિધાઓ વિષે જી.જી.હોસ્પિટલ ના વિવિધ વિભાગોની સમીક્ષા મુલાકાત લીધી હતી.

જેમાં જી.જી.હોસ્પિટલમાં આવતા દર્દીઓને આપવામાં આવતા સ્વચ્છ અને પોષણયુકત આહાર માટે હોસ્પિટલના રસોડાની અને ડાયટિશિયનની મુલાકાત લીધી હતી તેમજ જૂની અને નવી જી.જી.હોસ્પિટલની બિલ્ડીંગો વચ્ચે દર્દીઓને વોર્ડમાં ટ્રાન્સફર કરવા માટેના રસ્તાની સુવિધાઓનું પણ તેમણે અવલોકન કરી આવશ્યક જરૂરિયાતો પરિપૂર્ણ કરવા સૂચના આપી હતી, આ સાથે જ હોસ્પિટલમાં નવનિર્માણ પામતા વોક-વે અને ગાર્ડન એરિયાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પણ કામગીરી માટે સૂચનો કર્યા હતા. તદુપરાંતઙ્ગ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની સુરક્ષા અને જી.જી.હોસ્પિટલમાં થતા ટ્રાફિકના પ્રશ્નો અંગે પણ હોસ્પિટલના સુરક્ષા વિભાગ સાથે ચર્ચા કરી આવશ્યક પગલાં લેવા માટે જણાવ્યું હતું.

આ મુલાકાતમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી સુભાષભાઈ જોશી,ઙ્ગપૂર્વ મેયરશ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, જી.જી.હોસ્પિટલના ડીનશ્રી નંદીની દેસાઈ, સુપ્રિટેન્ડન્ટશ્રી નંદિની બાહીરી  તેમજ વિવિધ વિભાગના ડોકટરો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:51 am IST)