Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

કોણ કહે છે મંદી છે?

જામનગરમાં લગ્નની જાનમાં સવા કરોડની રોકડ ઉછાળી

ચેલા ગામમાં નિકળેલા લગ્નના એક ફુલેકામાં પ૦૦ અને ર૦૦૦ રૂપિયાની નોટોનાં બંડલ રીતસરના ઉછાળાયાં: સોશ્યલ મીડિયા પર વિડીયો વાઇરલ થતાં બોલી ગયો દેકારો

રાજકોટ તા. ર :.. દેશભરમાં મંદીની ત્રાડ સંભળાય છે એવા સમયે જામનગર જિલ્લાના ચેલા ગામમાં નીકળેલા લગ્નના એક ફુલેકામાં પ૦૦ અને ર૦૦૦ રૂપિયાની નોટોનો વરસાદ વરસ્યો અને ફુલેકા દરમ્યાન સવા કરોડ રૂપિયાની ઉછામણી થઇ. એકેક નોટ નહીં, પણ આખા ને આખા બંડલ હવામાં ઉડાડવામાં આવતા હોવાનું પણ આ વિડીયોમાં સ્પષ્ટ દેખાતું હતું. બસના છાપરા પર ચડીને અને જીપના બોનેટ પર તથા ઘોડી પર બેસીને નોટોની ઉછામણી કરવામાં આવતી હતી. ઉછામણી માટે નાના બાળકોને ૧૦ રૂપિયાના અને યંગસ્ટર્સ તથા વડીલોને પ૦૦ અને ર૦૦૦ રૂપિયાની નોટોનાં બંડલ આપવામાં આવ્યા હતાં. નોટોનો વરસાદ ચાલી રહ્યો હોય એવો વિડીયો ગઇકાલે બપોર પછી સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં દેકારો બોલી ગયો હતો. ક્ષત્રીય સમાજના રિષીરાજસિંહનાં લગ્નના ફુલેકાના આ વિડીયો હોવાનું બહાર આવ્યું છે. વરરાજાને માંડવે પહોંચાડવા માટે ખાસ હેલિકોપ્ટર બોલાવવામાં આવ્યુ હતું. લગ્નમાં ત્રણ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો હોવાનું કહેવાય છે. સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા વિડીયો પછી સરકારી અધિકારીઓ પણ આ ફુલેકાની વિગતો એકત્રીત કરવામાં લાગી ગયા હતાં. સામાન્ય રીતે કરવામાં આવેલી ઉછામણી ઢોલી લઇ જતા હોય છે, પણ એવું કહેવાય છે કે ફુલેકા દરમ્યાન જ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ઉછામણીના રૂપિયા ઢોલીઓએ લેવાના નહીં, એને બદલે એ રૂપિયા જામનગર જિલ્લાની પાંચ ગૌશાળામાં જમા કરાવવામાં આવશે અને ઢોલીને અલગથી બક્ષીસ આપવામાં આવશે.

(11:55 am IST)