Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

પોરબંદરમાં પરપ્રાંતીય જ્યોતિષનો પર્દાફાશઃ વિધીના નામે લોકો પાસેથી રૂ.પ૦૦થી ૩૧ હજાર રૂપિયા વસુલતો

પોરબંદર : લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે... આ કહેવત અનેકવાર સાચી સાબિત થઈ છે. જ્યોતિષ બતાવવા, નસીબ ચમકાવી આપવા વગેરે જેવા જાતજાતના પ્રલોભનો આપીને લોકોને લૂંટવામાં આવે છે. તાજેતરમાં જ રૂપાલની ઢબુડી માતાનો કિસ્સો તાજો છે, ત્યાં પોરબંદરમાં પરપ્રાંતીય જ્યોતિષનો પર્દાફાશ થયો છે. ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા પર પ્રાંતીય જ્યોતિષનો ખેલ ખુલ્લો કરાયો છે.

વિજ્ઞાન જાથા દ્વારા પોરબંદરમાં કાલ ભૈરવ મસાણીયા નામના જ્યોતિષને છટકું ગોઠવી ઝડપી પડાયો છે. આ વ્યક્તિ પોરબંદરના રાણાવાવ વિસ્તારમાં મકાન ભાડે રાખીને રહેતો હતો. તથા સ્થાનિક લોકો સાથે વિધિ-વિધાનના નામે છેતરપિંડી કરતો હતો. આ જ્યોતિષ વિધીના નામે લોકો પાસેથી રૂપિયા 500થી લઈને 31 હજાર સુધી વસૂલતો હતો.

ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા આ પર પ્રાંતીય જ્યોતિષની પોલ ખુલ્લી પડાઈ હતી અને તે કેવી રીતે લોકોને છેતરતો હતો તે બહાર લાવવામાં આવ્યું હતું. શત્રુનાશ, વિદેશભ્રમણ, ઘર કંકાસ દૂર કરવાના નામે આ જ્યોતિષ લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેતો હતો. આ ઢોંગી જ્યોતિષને પકડીને રાણાવાવ પોલીસને હવાલે કરાયો હતો.

(4:28 pm IST)