Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

સરહદ દ્વારા થતી ડ્રગ્સની હેરાફેરીમાં ગુજરાત ટાર્ગેટ હોવાની ચિંતા દર્શાવતા કચ્છ બોર્ડર રેન્જ આઈજી ડી.બી. વાઘેલા : કચ્છથી હવે અમદાવાદ એસીબીમાં બદલી, પોલીસના અનુભવો ઉપર પુસ્તક લખવાની ઈચ્છા, બદલી પૂર્વે ભુજમાં પત્રકારો સાથે સ્નેહ મિલન

(ભુજ) કચ્છ, બનાસકાંઠા અને પાટણ એ ત્રણ જિલ્લાના બોર્ડર રેન્જ આઈજી ડી.બી. વાઘેલાની અમદાવાદ એસીબીમાં એડિશનલ ડાયરેકટર તરીકે બદલી થતાં તેમને વિદાય લેતાં પૂર્વે આજે ભુજમાં પત્રકારો સાથે સનમિલન યોજયું હતું. કચ્છના તમામ પત્રકાર મિત્રોના સહકાર બદલ આભારની લાગણી વ્યક્ત કરતાં આઈજી શ્રી વાઘેલાએ પોતાના કચ્છના કાર્યકાળ દરમ્યાનના અનુભવો વાગોળ્યા હતા. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી કચ્છની દરિયાઈ સરહદે વધી રહેલી કેફી દ્રવ્યોની હેરાફેરી તેમ જ ગુજરાતભરમાં વધી રહેલા ગાંજાના વપરાશ તેમ જ યુવા વર્ગમાં વધી રહેલી રેવ પાર્ટીઓની ઘેલછા પ્રત્યે તેમણે ચિંતા દર્શાવી હતી. પાકિસ્તાન જેવા દુશ્મન દેશ દ્વારા પંજાબની નવી પેઢીને નશાના રવાડે ચડાવીને ખતમ કર્યા બાદ હવે ગુજરાતને ટાર્ગેટ બનાવી 'ઉડતા પંજાબ' ની જેમ 'ઉડતા ગુજરાત' બનાવવાની દિશામાં નશાનો કારોબાર વધ્યો હોવાનું જણાવ્યું હતું. કચ્છમાં પોતાના કાર્યકાળ દરમ્યાન વ્યાજખોરો સામેની ફરિયાદ, ખનિજ માફિયાઓ સામેની ફરિયાદ સામે પોલીસ હેલ્પ લાઇન શરૂ કરાઇ તેને તેમ જ સાઇબર પોલીસ સ્ટેશને કારણે ઓન લાઇન ઠગાઈના કિસ્સાઓમાં લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હોવાનું અને ગુનેગારો સામે પગલાં ભરાયા હોવાનું તેમણે જણાવ્યું હતું. કચ્છમાં મિલકત સંબંધી ગુનાઓ વધી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. માત્ર ૯ મહિના બાદ તેઓ નિવૃત થશે પછી પોતાના પોલીસ ખાતાના અનુભવો વિશે પુસ્તક લખવાની ઈચ્છા આઈજી વાઘેલાએ દર્શાવી હતી.

(1:52 pm IST)