Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

આયુષ્યમાન ભારત યોજનામાં ઓપરેટરના નામે ઓનલાઈન ભરતીનું ડીંડવાણું- ૨૨ હજારના પગારની લાલચ આપતી બોગસ એજન્સીથી સાવધાન

ભુજના નામે રજિસ્ટ્રેશન બતાવતી રોયલ કન્સલ્ટન્સી એજન્સી બોગસ, કચ્છના આરોગ્ય તંત્રએ તપાસ શરૂ કરી ફરિયાદ કરવાની તજવીજ

ભુજ, તા.૯: કચ્છમાં વિવિધ એજન્સીઓ દ્વારા ઠગાઈના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે લોભ લાલચમાં આવતા પહેલાં આવા કિસ્સાઓમાં લોકોએ સાવધાન રહેવાની જરૂરત છે. તાજેતરમાં જ રોયલ કન્સલ્ટન્સી એજન્સીના નામે આયુષ્યમાન ભારત યોજનામાં ઓપરેટર તરીકેની નોકરી અર્થે ૨૨ હજાર રૂપિયા પગાર સાથે ભરતી માટેની જાહેરાત ઓનલાઈન ચાલી રહી છે.

આવી એજન્સીઓ બોગસ હોઈ શકે છે, પણ બેરોજગાર યુવાનો નોકરીની લાલચે વધુ તપાસ કર્યા વગર અરજી ફોર્મ અને રજિસ્ટ્રેશનના નામે રૂપિયા ભરી દે છે, પછી તેમને પસ્તાવવું પડે છે. જોકે, રોયલ કન્સલ્ટન્સી નામની એજન્સીના નામે ભરતીની ઓનલાઈન જાહેરાત અંગે ખરાઈ કરવાનું સૂઝતા તે ભોપાળું બહાર આવ્યું છે.

આયુષ્યમાન ભારત યોજનામાં ૨૨ હજારના પગારની નોકરી માટે ૭૫૦ રૂપિયા એગ્રીમેન્ટના કુલ ખર્ચ તરીકે થશે અને અરજીપત્રક સાથે ૫૫૦ રૂપિયા ચૂકવવા પડશે એવી સૂચના અપાઈ છે, પણ રૂબરૂ ભુજમાં આ રોયલ.કન્સલ્ટન્સીનું સરનામું અપાયું છે, તે બોગસ છે, ગોલ્ડન પ્લાઝા બિલ્ડીંગ, કેબીએન હોટલ પાસે, સ્ટેશન રોડ, ભુજ. આમ આ બોગસ સરનામાં વાળી એજન્સી અને આયુષ્યમાન ભારત યોજનાની ભરતી અંગેનો મામલો કચ્છ જિલ્લા આરોગ્ય તંત્ર સુધી પહોંચતા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કન્નરે સ્પષ્ટતા કરી છે કે, આવી કોઈ પણ એજન્સીને આયુષ્યમાન ભારત યોજનાની કામગીરી સોંપાઈ નથી.

રોયલ કન્સલ્ટન્સી દ્વારા ઓનલાઈન પેમેન્ટ માટે અપાયેલ બારકોડ૮૫/૧૬/૫૯૪૩ સતત બંધ દર્શાવે છે. હવે કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગે આ અંગે પોલીસનું ધ્યાન દોર્યું છે સાથે સાથે લોકોને સાવધાન રહેવા અપીલ પણ કરી છે.

(11:40 am IST)